જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં સમયથી મહિલાઓ ઉપર થતા અત્યાચારનું પ્રમાણ વધતું જાય છે. આ અત્યાચાર સંદર્ભે જામનગરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યને સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લા દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં મહિલાઓ ઉપર અત્યાચારનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને જામજોધપુર પંથકના રહેતાં મહિલા પોલીસ ફોજદાર દ્વારા અત્યાચારનો ભોગ બનતાં તેની તપાસ રાજય મહિલા આયોગ દ્વારા દ્વારકા પોલીસવડાને સોંપવામાં આવી હતી. પરંતુ આ તપાસમાં ત્તત્કાલિન પોલીસવડા રોહન આનંદ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમજ જામનગરની જી.જી.હોસ્પિટલના સફાઇ કામદાર વોરિર્યસ સાથે પોલીસ અને પ્રાઇવેટ સિકયુરિટી દ્વારા કરાયેલાં હુમલામાં 7 દિવસ સુધી ફરિયાદ નોંધવામાં આવી ન હતી અને ત્યારબાદ આ પ્રકરણમાં પોલીસે જાણી જોઇને નબળી કલમો ઉમેરી હતી. તથા એસ.સી. અને એસ.ટી. એકટની કલમ ઉમેરવામાં આવી ન હતી.
તેમજ સિક્કામાં તરૂણી ઉપર દુષ્કમના બનાવમાં પણ તપાસનીસે ડિએનએ ટેસ્ટ કરાવ્યો ન હતો તથા મહિલા આરોપીને સહતોમતદાર બનાવવાના બદલે ફકત મદદગારી માંજ સામેલ કરાયા હતાં. જેના કારણે મહિલાનો જામીન પર છૂટકારો થયો હતો. આ તમામ પ્રકરણોમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જામનગર આવેલાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજૂલબેન દેસાઇને સમસ્ત દલિત સમાજ જામનગર શહેર અને જિલ્લા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.