ખંભાળિયાના પાદરમાંથી પસાર થતી ઘી નદી અનેક વિસ્તારોના ભુગર્ભ જળસ્ત્રોતોને જીવંત રાખવા આશીર્વાદરૂપ છે. અહીંના ઘી ડેમ ખાતેથી નિકળીને રામનાથ મંદિર, રામનાથ સોસાયટી થઈને ખામનાથ સુધી પહોંચતી ઘી નદીના કારણે આ વિસ્તારના બોર- કુવાઓ લાંબો સમય સુધી જીવંત રહે છે. આશીર્વાદરૂપ એવી આ નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગાંડી વેલનું સામ્રાજ્ય છવાઇ જાય છે.
નયન રમ્ય એવી આ ગાંડી વેલ નદીના પાણી માટે જોખમી તથા મચ્છરોના ઉપદ્રવ તથા ઉત્પતિનું કેન્દ્ર બની રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘી નદી પર ઊગી નીકળતી આ વેલને કાયમી રીતે દૂર કરવાનું નક્કર આયોજન અગાઉ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. આ બાબતે અહીંના જાગૃત નાગરિકો તેમજ આગેવાનો દ્વારા પાલિકા તંત્રને વારંવાર રજુઆત પણ કરવામાં આવી હતી.
આ અનુસંધાને નગરપાલિકા દ્વારા રહી રહીને જાગૃત થઈ, આ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટેન્ડર મંજૂર થઇ ગયા બાદ ત્રીસ દિવસમાં આ ગાંડી વેલ દૂર થાય તે માટે વિવિધ શરતો અને ચોક્કસાઈ સાથે આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ નદીમાં ઠાલવવામાં આવતા ગટરના પાણી તથા અન્ય કારણોસર ગાંડી વેલ ઊગી નીકળતી હોવાથી આગામી સમયમાં ગંદા પાણીના નિકાલ માટેની અન્ય વ્યવસ્થા તેમજ આ ખામનાથ નજીક આવેલા ચેકડેમમાં નવા દરવાજા નાખવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ નક્કર આયોજનથી ગાંડી વેલની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેમ પ્રબુદ્ધ નાગરિકો ઇચ્છી રહ્યા છે.