કોલકતા ખાતે રમાઇ રહેલી વિજય હઝારે વન ડે ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમનો સતત બીજા મેચમાં આખરી ઓવરમાં રોમાંચક વિજય થયો છે. આજે સૌરાષ્ટ્રની ટીમે હરિયાણા સામે છેલ્લી ઓવર સુધીની રસાકસી બાદ માત્ર એક વિકેટે રોમાંચક જીત મેળવીને મહત્વના 4 પોઇન્ટ હાંસલ કર્યા હતા. સૌરાષ્ટ્રે 265 રનનો જિય લક્ષ્યાંક 49.1 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. કેપ્ટન જયદેવ ઉનડકટની અણીના સમયે 23 દડામાં 2 ચોકકા-3છકકાથી અણનમ 39 રનની ઇનિંગ સૌરાષ્ટ્રની જીતમાં નિર્ણાયક બની રહી હતી.
આ સિવાય સૌરાષ્ટ્ર તરફથી યુવા સ્નેલ પટેલે 94 દડામાં 6 ચોકકા-4 છકકાની 79 રનની, અનુભવી અર્પિત વસાવડાએ 51 દડામાં 46 રનની ઇનિંગ રમી હતી. જયારે વિશ્ર્વરાજ જાડેજાએ 37 રન કર્યાં હતા. હરિયાણા તરફથી મોહિત શર્મા, રાહુલ તેવતિયા અને યજુર્વેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી.
આ પહેલા હરિયાણાએ 50 ઓવરમાં ઓલાઉટ થઇને 264 રન બનાવ્યા હતા. જેમાં સીકે બિશ્નોઇના 84 રન મુખ્ય હતા. સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરિયાએ 3 અને ધર્મેન્દ્ર જાડેજા અને પ્રેરક માંકડે 2-2 વિકેટ લીધી હતી. હરિયાણાનો આઇપીએલ સ્ટાર રાહુલ તેવતિયા ફકત 11 રન જ કરી શકયો હતો.