9 વર્ષના શાસનકાળ દરમ્યાન મોદી સરકાર સામે વિપક્ષો દ્વારા બીજી વખત અવિશ્વાસ રજૂ કરવામાં આવ્યો છે. જેના પર ગરમાગરમ ચર્ચાનો પ્રારંભ થયો છે. લોકસભામાં 6 માસ બાદ પ્રથમ વખત રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાનો પ્રારંભ કરશે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી ઓગસ્ટે પ્રસ્તાવની ચર્ચા અને વિપક્ષના આક્ષેપોનો જવાબ આપશે. જો કે, અવિશ્વાસ પ્રસ્તાવ સંસદમાં માત્ર એક ઔપચારિકતા બની રહેશે. સરકાર પર કોઇ સંકટ નથી.
આગામી સમયમાં યોજાનારી પાંચ રાજયોની ધારાસભા તથા 2024ની લોકસભા ચૂંટણી પુર્વે રન-અપ પોલીટીકલમાં આજથી ત્રણ દિવસ લોકસભામાં કેન્દ્રની મોદી સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો પ્રારંભ હાઈવોલ્ટેજ પોલીટીકલ ડીબેટ બની રહેશે. સંસદના ચોમાસુ સત્રમાં મણીપુર સહિતના મુદાઓ પર મોટાભાગના સમયમાં ધાંધલ ધમાલ બાદ ગઈકાલથી બન્ને ગૃહોમાં કામકાજ શરૂ થયા હતા અને ખાસ કરીને સરકારે રાજયસભામાં પણ પુર્ણ બહુમતી વગર પણ દિલ્હી ખરડો 131 વિ. 102 મતોથી પસાર કરાવીને તેની રાજકીય તાકાત મજબૂત કરી છે અને વિપક્ષી છાવણીમાં પણ મોટું ભંગાણ પાડયુ હોવાના સંકેત છે તો બીજી તરફ મોદી અટક માનહાની મુદે થયેલા કેસમાં સાંસદ પદ ગુમાવ્યા બાદ સજા સામે ‘સ્ટે’ મેળવી રાહુલ ગાંધી ગઈકાલથી ફરી લોકસભામાં હાજર થતા વિપક્ષોની છાવણીમાં નવો ઉત્સાહ છે અને આજે રાહુલ ગાંધી જ લોકસભામાં આ અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ કરશે તથા તા.10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો જવાબ આપશે.
ટેકનીકલ રીતે લોકસભામાં સરકારની પુર્ણ બહુમતી છે અને તેથી પ્રસ્તાવ પર મતદાનની જરૂર પડે નહી તેવા પણ સંકેત છે પણ છેલ્લા કેટલાક સમયથી મણીપુર મુદે વિપક્ષો જે રીતે વડાપ્રધાન સંસદ સમક્ષ આવીને જવાબ આપે તે મુદે બન્ને ગૃહોનું કામકાજ ખોરવી રહ્યા હતા તે પછી હવે મોદીના જવાબ પર સૌની મીટ હશે અને બાદમાં તા.11ના રોજ ફરી મણીપુર મુદે ખાસ વચ્ચેની પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તૈયારી દર્શાવી છે. આમ હવે આ સપ્તાહ અત્યંત મહત્વનું બની રહેશે. અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે પ્રથમ બે દિવસની બેઠકમાં 12 કલાકનો સમય નિશ્ર્ચિત થયા છે. જેમાં કોંગ્રેસને 1 કલાક 15 મીનીટ સહિત પુરા વિપક્ષને લગભગ 6 કલાકનો સમય અપાયો છે.ભાજપને 6 કલાક 45 મીનીટનો સમય અપાયો છે અને વડાપ્રધાન તા.10ના રોજ તેમનો જવાબ કોઈ સમય મર્યાદા વગર આપી શકશે. રાહુલ ગાંધી અગાઉ તેમને સંસદમાં બોલવાની તક અપાતી નથી. માઈક છીનવાય છે તેવી ફરિયાદો કરી ચૂકયા છે આજે તેઓ હવે 30 મીનીટ બોલશે તેવા સંકેત છે.