જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘાતક પણ બનતું જાય છે. જી.જી.હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં સારવાર લઇ રહેલા વિપ્ર યુવાનનું મૃત્યુ નિપજયું છે. એક સપ્તાહના સમયગાળા દરમિયાન કોવિડ હોસ્પિટલમાં કુલ પાંચ દર્દીના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાં બે દિવસ પહેલાં એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો. સોમવારે વધુ બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા નવ દિવસથી કોરોનાના મામલે રાહત છે.
મળતી વિગત મુજબ, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શાંતીવન સોસાયટીમાં રહેતા વિજય કાંતિલાલ ભટ્ટ નામના યુવાનનું કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેના મૃતદેહની કોવિડની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જામનગર શહેરમાં 762 લોકોનું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને અત્યાર સુધીના 5,89,999 લોકોનું અને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં 1186 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લાના કુલ 1,848 લોકોનું કોવિડ પરીક્ષણ કરાયું છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં કોરોનાના 3 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં 1 દર્દીને બાયપેપ પર રાખવામાં આવ્યો છે. ત્યારે અન્ય બે દર્દીઓ રૂમ-એર પર સારવાર હેઠળ છે.
મ્યુકોર્માઇકોસિસની બીમારીના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા હતા અને ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર મેળવી રહેલા ત્રણ દર્દીઓ પૈકી બે દર્દીને ગઈકાલે જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર એક દર્દી સારવાર હેઠળ છે.