દ્વારકા તાલુકાના રામપરા ખાતે જલારામ સોસાયટીમાં રહેતા અને મૂળ રાજકોટ તાલુકાના સાગર નગર શેરી નંબર 2 ખાતે રહેતા અનિલભાઈ ગોપાલભાઈ હરણ નામના 28 વર્ષના યુવાનને ગત તા. 26 માર્ચના રોજ મધ્યરાત્રિના સમયે ચોક્કસ નંબર કોલ આવ્યો હતો. સામા છેડે હિન્દી ભાષામાં વાત કરતા ગઠીયાએ અનિલભાઈને તેમના સ્ટેટ બેન્કના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાનું કહીને વિશ્ર્વાસમાં લીધો હતો. પોતે બેંક કર્મચારી હોવાનું કહી, ફોનમાં વાત કરતા શખ્સએ અનિલભાઈને ભરોસામાં લઈ અને તેમના એસ.બી.આઈ. ક્રેડિટ કાર્ડના નંબર મેળવી લીધા હતા.
ત્યારબાદ આ સાયબર ગઠીયાએ આ ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 28,107 ની ખરીદી કરી લઈ અને ત્યારબાદ અનિલભાઈના ગૂગલ-પે એકાઉન્ટ સાથે સંલગ્ન સ્ટેટ બેન્કના બચત ખાતામાંથી પણ અનુક્રમે રૂપિયા 9,898 અને 19,996 એમ જુદા-જુદા બે ટ્રાન્જેક્શન કરી, કુલ રૂપિયા 58,001 ઉપાડી લીધા હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે ચોક્કસ મોબાઈલ નંબર ધારક એવા હિન્દીભાષી શખ્સ સામે આઈ.પી.સી. કલમ 406, 420 તથા આઈ.ટી. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા હાથ ધરવામાં આવી છે.