જામનગરના બેડી બંદર રોડ પર બેડીના ઢાળિયા પાસે સાયચા પરિવારના બે ભાઈઓ વિરૂધ્ધ તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી બંદર રોડ પર બેડીના ઢાળિયાથી ગરીબનગર પાણાખાણ સુધીની સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર 40 પૈકીની જમીન ઉપર વર્ષોથી બંગલો બનાવનાર રજાક નુરમામદ સાયચા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બેડી બંદર રોડ પર બેડીના ઢાળિયાથી ગરીબનગર પાણાખાણ સુધીના વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની રેવન્યુ સર્વે 40 પૈકીની જમીન ઉપર ઈમત્યાઝ નુરમામદ સાયચા અને સીકંદર નુરમામદ સાયચા નામના બંને શખ્સોને વર્ષ 2019 થી આજદિન સુધી ગેરકાયદેસર મકાન બનાવી સરકારી જમીન ઉપર દબાણ કરી લીધું હતું. આ અંગે મામલતદાર હિતેશભાઈ જાદવ દ્વારા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેન્ડગે્રબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે ડીવાયએસપી ડી પી વાઘેલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.