જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાનએ વ્યાજે લીધેલા રૂા. 5 લાખની રકમ વ્યાજ સહિત ચૂકવ્યા બાદ વ્યાજખોરે ચૂકવી દીધી હતી. દરમ્યાન વેપારી અને વ્યાજખોરએ 10-10 લાખ રૂપિયા ધંધા માટે રોક્યા હતા. જ્યાં છેતરપિંડી થઇ જતાં વ્યાજખોરએ તેની રોકેલી રકમ પણ વ્યાજખોર પાસે ઉઘરાણી કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા સુમિતભાઇ મહેશભાઇ પારવાણી નામના વેપારી યુવાને ધંધામાં જરૂરિયાત માટે વિજયસિંહ પ્રતાપસિંહ જાડેજા પાસેથી 4 ટકા વ્યાજે રૂા. 5 લાખ લીધાં હતાં. આ રકમ માસિક રૂા. 20 હજારના વ્યાજે કુલ 20 હપ્તા ભરી રૂા. 4 લાખ તથા મુદ્દલના રૂા. 2.50 લાખની રકમ ચૂકવી હતી. તથા રૂા. 4 લાખના 5 ટકા લેખે વ્યાજના 13 હપ્તા ભરી રૂા. 2.60 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ વેપારીની દુકાનેથી જથ્થાબંધ ફરસાણની ખરીદી માટે બન્નેએ રૂા. 10-10 લાખ રાજસ્થાનના જયપુરમાં રોકાણ કર્યું હતું. જ્યાં તેમની સાથે છેતરપિંડી થઇ ગઇ હતી. જેથી બન્નેને પૈસા પરત મળ્યા ન હતા. ત્યારબાદ વ્યાજખોરએ વેપારી પાસે રૂા. 10 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ વ્યાજખોરએ વેપારીના સહી કરેલા કોરા ચેકમાં રૂા. 24.50 લાખની રકમનો ચેક ખાતામાં નાખતા રીટર્ન થયો હતો.
ત્યારબાદ વેપારીએ વ્યાજખોરને રૂા. 2.50 લાખ તથા વ્યાજના કુલ રૂા. 6.60 લાખ મળી કુલ રૂા. 9.10 લાખ ચૂકવી દીધા હોવા છતાં કોરો ચેક રકમ ભરીને બેંકમાં કેમ વટાવ્યો? તેમ કહેતાં વ્યાજખોરે ઉશ્કેરાઇને વેપારી અને તેના પિતાને રૂબરૂ તથા ફોન ઉપર રૂપિયાની ઉઘરાણી કરી અને મારી નાખવાની ધમકી આપી હતી. આખરે વેપારીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ વ્યાજખોર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


