ખંભાળિયા પોલીસે ત્રણ દિવસ પૂર્વે બે શખ્સોને મોટરકારમાંથી ઝડપી લઇ, વિદેશી દારૂની 120 બોટલ દારૂ કબ્જે બાદ આ પ્રકરણમાં એક શખ્સ દ્વારા પીપળીયા ગામે છુપાવીને રાખેલી 65 પેટીમાં 780 બોટલ કબજે કરી હતી. આ શખ્સોના રિમાન્ડ દરમિયાન વધુ 1080 બોટલ શરાબ કબજે કરવા પોલીસને સફળતા મળી છે.
આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે રહેતા ભોરા ભોજા જામ તથા અત્રે હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા સાજા દેવાણંદ શાખરા નામના બે શખ્સોને પોલીસે ગત તા.3 ના રોજ ઝડપી લઇ 120 બોટલ દારૂ તથા મોટરકાર વગેરે મળી કુલ રૂપિયા 5.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત આરોપી ભીરા ભોજા જામ દ્વારા તેની વાડીમાં છુપાવીને રાખવામાં આવેલી વધુ 780 બોટલ (65 પેટી) કાઢી દેવામાં આવી હતી. આ સાથે એલસીબી તથા અન્ય પોલીસ દ્વારા અન્ય સ્થળેથી દારૂ પ્રકરણમાં તેની સંડોવણી પણ ખુલવા પામી હતી.
ખંભાળિયા પોલીસે ઉપરોક્ત બંને શખ્સોને અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતા અદાલતે આ શખ્સોના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ શખ્સોની પોલીસ દ્વારા કરવામાં આવેલી આકરી પૂછપરછમાં તેઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તેની વાડીમાં છુપાવીને રાખવામાં આવેલી વધુ 1,080 બોટલી વિદેશી શરાબનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ. 4.32 લાખની કિંમતની 1,080 બોટલ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
આમ, ખંભાળિયા પોલીસના ડી સ્ટાફને ઉપરોક્ત શખ્સો પાસેથી કુલ રૂપિયા 7.92 લાખની કિંમતની 1980 બોટલ દારૂ તથા મોટરકાર વિગેરે સહિત કુલ રૂપિયા 12,97,500 નો મુદ્દામાલ કબ્જે કરવા સફળતા મળી હતી. આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. પી.એમ. જુડાલ સાથે રાયટર દીપકભાઈ રાવલિયા, સર્વેલન્સ સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા, રામદેભાઈ કરંગીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.