વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ના સંદર્ભમાં ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓ અને તમામ પ્રેસ માલિકોને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારઘી દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી/ કરાવી શકાશે નહિ. પ્રકાશકની ઓળખ અંગેના 2 વ્યક્તિઓએ શાખ કરેલા એકરારનામાંની 2 નકલ મુદ્રકને અને દરેક મુદ્રણાલયોમાં ફોટોકોપી કરનાર, રોનિયો કોપી કાઢનાર કે કોમ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની 1 નકલ અધિકૃત કરી તથા છાપેલ સાહિત્યની એક નકલ વધારાની 3 નકલ સાથે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને 3 દિવસમાં મોકલી આપવાની રહેશે.
આ જોગવાઈઓનો ભંગ કરનાર વ્યક્તિ સામે પ્રેસ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે. તેમજ મુદ્રણાલયનું લાઇસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તથા ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવશે. આવા લખાણોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર્ય ખંડન જેવી કોઈ ગેરકાનૂની બાબતોનું સમાવેશ કરી શકશે નહિ. જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓએ કે ફોટોકોપી કરનાર, રોનિયો કોપી કાઢનાર કે કોમ્યુટર પ્રિન્ટ કાઢનાર સંચાલકોએ તેમના નામ અને સરનામાં અંગેની માહિતી 2 દિવસમાં સબંધિત મામલતદારની કચેરીના સરનામે મોકલી આપવાની રહેશે. મતદારોના માર્ગદર્શન માટે છાપવામાં આવતી ઓળખ કાપલીમાં કોઈ ચોક્કસ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર થાય તેમજ પ્રકાશક ઉમેદવાર કે પક્ષના નામ છાપવાના રહેશે નહિ, તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારઘીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.