સોનાના દાગીના પર ફરજિયાત હોલમાર્કના નિયમમાં જટિલ અને ગૂંચવણ ભરી પ્રક્રિયાને લઇને સોની વેપારીમાં કચવાટ જોવા મળી રહ્યો છે.જેનો વિરોધ નોંધાવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સભ્યોએ 23 ઓગસ્ટના રોજ બંધનું એલાન આપ્યું છે. જેમાં રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના સભ્યો પણ જોડાશે. તેમ રાજકોટ એસોસિએશનના ફાઉન્ડર પરેશભાઈ આડેસરાએ જણાવ્યું છે. વેપારીઓના જણાવ્યાનુસાર નિયમ સામે વાંધો નથી પરંતુ તેની જટિલ પ્રક્રિયાથી મુશ્કેલી છે.
બજારની પરિસ્થિતિને ધ્યાને રાખીને નિયમમાં થોડી ઘણી છૂટછાટ આપવી જોઇએ. નવા નિયમને લઈને રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશને સરકારમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, જૂના સ્ટોકમાં રહેલ દાગીનાને ફરજિયાત હોલમાર્કની જોગવાઈ લાગુ પડવી જોઈએ નહિ. બી.આઈ.એસ એ મંજૂર કરેલ સેન્ટર જ હોલમાર્ક કરી શકે છે.
જેથી આવો દાગીના ભવિષ્યમાં ગ્રાહક દ્વારા રિ-ચેકિંગમાં કે બી.આઈ.એસ દ્વારા રિ-ચેકિંગમાં શુદ્ધતાના પ્રમાણમાં હલકો ઉતરે તો તેની જવાબદારી ફક્ત અને ફક્ત હોલમાર્ક કરી આપનાર સેન્ટરની જ હોવી જોઈએ. BIS એક્ટ 2016 અને નિયમો 2018 નો કાઈ ધારાધોરણનો ભંગ થાય તો કસૂરવાર સામેનો કેસ પ્રવર્તમાન ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચલાવવો જોઇએ તેવી માગ વેપારીઓ કરી રહ્યા છે.