ભાણવડ તાલુકાના ઘુમલી ગામ નજીક એક ખુલ્લા કૂવામાં છ દિવસથી એક બાળ શિયાળ પડી ગયું હોવા અંગેની જાણ વાડી માલિકને થતાં તેઓએ તેને બહાર કાઢવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતું તેઓ નિષ્ફળ રહ્યા હતા.
ત્યાર બાદ વાડી માલિકે ભાણવડના એનિમલ લવર્સ ગ્રૂપનો સંપર્ક કરતા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ, હારુનભાઈ સહિત અન્ય સભ્યોએ રાત્રીના અગિયાર વાગ્યે સ્થળ પર પહોંચી જઈ, અને રાત્રીના અંધારામાં ખૂબ જ કઠિન રેસ્ક્યુ હાઇડ્રોલીક એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા સફળતાપૂર્વક પાર પાડીને મહામહેનતે છ દિવસથી કૂવાની અંદર રહેલા આ બાળ શિયાળને બહાર કાઢી અને નવજીવન આપ્યું હતું.આમ, મોડી રાત્રીના સમયે પણ એનિમલ લવર્સના સભ્યો દ્વારા જીવના જોખમે આ અબોલ જીવને બચાવવાની કામગીરી ખુબ જ પ્રશંસનીય બની રહી હતી.