જોડિયા ગામમાં રખડતાં ઢોરે વૃધ્ધને હડફેટે લીધા બાદ ઘવાયેલા વૃધ્ધે રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. આ ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. તો બીજીતરફ ઢોરના ત્રાસને પરિણામે સ્થાનિકોમાં ભારે આક્રોશનો માહોલ ફેલાયો છે.
જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતાં ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. જામનગર શહેરમાં અવાર-નવાર રખડતા ઢોર નાગરિકોને હડફેટે લેતાં હોવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના પણ સામે આવી છે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરની સમસ્યા એટલી જ જોવા મળી રહી છે. રઝળતાં ઢોરની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ સરકારને હાઇકોર્ટે પણ તતડાવી હતી અને હાઇકોર્ટે સરકાર પાસે પોન્ટડેડ પ્રપોઝલ માંગ્યો હતો ત્યારે જોડિયામાં રખડતાં ઢોરની ઢીકે ચડેલા વૃધ્ધે સારવાર દરમિયાન દમ તોડતાં રખડતાં ઢોર જીવલેણ બનવાનો વધુ એક કિસ્સો નજરે ચડયો છે.
જામનગર જિલ્લાના જોડિયા ગામમાં રહેતા ગોપાલભાઇ ભૂપતભાઇ દવે (ઉ.વ.71) નામના વૃધ્ધ ગત તા. 10ના રોજ જોડિયાની બકાલા માર્કેટ પાસે ફ્રૂટ લેવા ગયા હતાં. જ્યાં રેઢિયાળ ઢોરે ઢીકે ચડાવતાં તેઓને માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સ્થાનિક હોસ્પિટલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન તા. 12ના રોજ મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. વૃધ્ધના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે. તો બીજીતરફ રેઢિયાળ ઢોરના ત્રાસથી સ્થાનિક લોકોમાં રોષની લાગણી છવાઇ છે. જામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઘણાં સમયથી રખડતા ઢોરની સમસ્યા શિરદર્દ સમાન બની છે. ઢોરના અડિંગાના પરિણામે રાહદારીઓને વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે. તો બીજીતરફ ઢોરના ટોળાના પગલે માર્ગો પર ચાલવુ પણ મુશ્કેલ બની ગયું છે.