Monday, November 25, 2024
Homeરાજ્યગુજરાતઆતંકી હુમલા માટે ઇટાલિયન પિસ્ટલ અને 120 કારતૂસ ઘૂસાડવાની તૈયારી હતી ??

આતંકી હુમલા માટે ઇટાલિયન પિસ્ટલ અને 120 કારતૂસ ઘૂસાડવાની તૈયારી હતી ??

- Advertisement -

હાલારનો દરિયાકાંઠો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. સૌથી લાંબો દરિયાકિનારાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃતિઓ માટે પણ કરવામાં આવે છે. અગાઉ સોનાની દાણચોરી થતી હતી. જયારે હાલમાં નશીલા પદાર્થ અને હથિયાર ઘુસાડવા માટે આ દરિયા કિનારાનો ઉપયોગ થઇ રહ્યો છે. અગાઉ પણ અનેક વખત આ દરિયામાંથી પાકિસ્તાનીઓ ઝડપાયાની ઘટનાઓ રેકોર્ડ ઉપર છે. ત્યારે ગઇકાલે કોસ્ટગાર્ડ અને એટીએસના 7માં સંયુકત ઓપરેશનમાં 6 ઇટાલિયન પિસ્ટલ અને 120 કારતૂસ મળી આવવાની ઘટના કોઇ મોટા હુમલાની દહેશત દર્શાવે છે. આગામી સમયમાં આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હોય અને તેની તૈયારીના ભાગરૂપે હથિયારોનો જથ્થો ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાની આશંકા પણ સેવાઇ રહી છે.

- Advertisement -

કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે ઓખા પાસે ડ્રગ્સ પકડયું તેના કરતાં ગંભીર બાબત પકડાયેલી ઈટાલિયન બનાવટની 6 પિસ્ટલ અને 120 જેટલા કારતૂસ છે. સતાવાર અખબારી યાદીમાં હથિયારો અને દારૂગોળો પકડાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગંભીર બાબત એ છે કે, માછીમારોના સ્વાંગમાં ડ્રગ્સની હેરાફેરીના અઢળક કિસ્સા છેલ્લાં ત્રણ વર્ષ એટીએસ અને કોસ્ટ ગાર્ડ પકડી પાડયા છે પણ આ વખતે ડ્રગ્સની સાથોસાથ ઈટાલી મેઈડ છ પિસ્ટલ અને 120 કારતૂસો ત્રણ ગેસ સિલિન્ડરમાં છૂપાવીને લવાતા હતાં. ડ્રગ્સ ઉપરાંત પિસ્ટલ અને કારતૂસ રાંધણ ગેસ સિલિન્ડરમાં છૂપાવીને આ સિલિન્ડરને એવી રીતે સીલ કરવામાં આવ્યાં હતાં કે કોઇને ગંધ સુધ્ધાં ન આવે. દિવસો સુધી મધદરિયે રહીને માછીમારી કરતાં લોકો રસોઇ બનાવવા માટે ગેસ સિલિન્ડર રાખતા હોય છે. આ પદ્ધતિને દૂરુપયોગ કરાઈ રહ્યો છે.

એટીએસના સૂત્રો એવી મજબુત આશંકા વ્યકત કરે છે કે, ગુજરાતની દરિયાઇ સીમા નજીક ઓખા પાસે પકડાયેલા હથિયારો આવનારા ભવિષ્યમાં આતંકી હુમલા માટેની પહેલી ખેપ હોઇ શકે છે. જો ગેસ સિલિન્ડરમાં છૂપાવીને ડ્રગ્સ સાથે પિસ્ટલ ઘૂસાડી દેવાયા હોત તો શકય છે ભવિષ્યમાં આ જ મોડસ ઓપરેન્ડીથી આરડીએકસ કે અન્ય વિસ્ફોટક અથવા તો અન્ય હથિયારો ઘૂસાડીને હુમલો થઈ શકયો હોત. આ બાબતને ગંભીરતાથી લઇને આ કિસ્સાની તપાસ એટીએસ જ કરશે. અને માછીમારના સ્વાંગમાં પકડાયેલા 40 વર્ષની આસપાસના ઉંમરના 10 પાકિસ્તાની શખ્સો પાસેથી તમામ રાજ ખોલાવશે. કરાંચીથી ડોન દાઉદના ઈશારે સક્રિય થયાની અને આતંકી હુમલાની તૈયારી થયાની શંકાથી વધુ ઉંડી તપાસ કરાશે.

- Advertisement -

સૂત્રો કહે છે કે, વર્ષ 1993ના મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ માટે આરડીએકસ અને હથિયારો ગુજરાતના દરિયાકાંઠે ઘુસાડવામાં આવ્યાં હતા તો વર્ષ 2008 માં 26 નવેમ્બરે કસાબ સહિતના આતંકીઓ મુંબઇ એટેક માટે ગુજરાતના દરિયાકાંઠા નજીકથી જ ચાર ગુજરાતી ખલાસીની હત્યા કરી કુબેર બોટ લૂંટી લઇને આતંકવાદીઓ મુંબઇમાં ઘુસ્યા હતાં. પાકિસ્તાનના પેટમાં ફરી તેલ રેડાઈ રહ્યું છે. ત્યારે વર્ષ 2023 માં ફરી સળવળાટ કરવાની ભીતિ છે. સંભવત: પહેલી ખેપમાં ડ્રગ્સ સાથે ઈટાલિયન પિસ્ટલ અને કારતૂસ ઘૂસાડાયા હતાં. ગેસ સિલિન્ડરમાં છૂપાવીને આ હથિયારો પહોંચી ગયા હોત તો આવનારા દિવસોમાં આ જ રીતે વિસ્ફોટકો ઘુસાડવાની યોજના અંગે ઉંડી તપાસ કરવાની દિશામાં એટીએસની ટીમે તૈયારી શરૂ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular