Friday, January 10, 2025
Homeરાષ્ટ્રીયકેન્દ્રએ સ્વીકાર્યું એક વર્ષમાં તમામ ચીજવસ્તુઓના ભાવમાં થયો વધારો

કેન્દ્રએ સ્વીકાર્યું એક વર્ષમાં તમામ ચીજવસ્તુઓના ભાવમાં થયો વધારો

ઘઉ, ખાદ્યતેલ, દૂધ, કઠોળ, દાળ,ચોખા સહિતની વસ્તુઓ થઇ મોંઘી

- Advertisement -

દેશમાં કેટલાક મહિનાઓથી આવશ્યક ચીજોથી માંડીને તમામ વસ્તુઓમાં મોંઘવારીના બેફામ મારને કાબૂમાં લેવા માટે સરકારી પ્રયાસો સફળ થતા નથી અને આમ આદમી મોંઘવારીના ભરડામાં સપડાયેલો જ છે. છેલ્લા એક વર્ષમાં તમામેતમામ ચીજવસ્તુઓના ભાવોમાં મોટો વધારો થયો હોવાનું કેન્દ્રનાં ગ્રાહક બાબતોનાં મંત્રાલયના રિપોર્ટમાં સ્વીકારાયું છે.

- Advertisement -

ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડાકીય રિપોર્ટમાં એવું જાહેર કરાયું છે કે એક વર્ષ પૂર્વે ચોખાનો સરેરાશ ભાવ રુા. 34.86 હતો તે હાલ 37.38 છે. ઘઉંનો ભાવ રુા. 25 થી વધીને રુા.30.61 થયો છે જ્યારે આટાનો ભાવ 29.47વાળો રુા. 35 થયો છે.

દાળની કિંમતોમાં વધારો છે. તુવેર દાળનો ભાવ એક વર્ષ પૂર્વે 104 હતો તેના રુા. 108 છે. અડદ દાળના 104વાળા 107, મસૂરદાળના 88વાળા 97 છે. દૂધના ભાવમાં એક વર્ષ દરમિયાન અંદાજીત સાડા ત્રણ રુપિયાની વૃધ્ધિ થઇ છે. એક વર્ષ પૂર્વે સરેરાશ 48.97નો ભાવ હતો તેના હાલ 52.41 રુપિયા છે. રિઝર્વ બેન્કનાં અંદાજ પ્રમાણે હજુ આવતા મહિનાઓમાં રીટેલ મોંઘવારીનો દર 6 ટકાથી વધુ જ રહેશે.

- Advertisement -

ખાદ્યતેલોના ભાવો ઘટાડવા માટે છેલ્લા મહિનાઓ દરમિયાન તેલ કંપનીઓ અને સંગઠનો સાથે અનેક વખત મીટીંગ કરવામાં આવી હતી.તેલ કંપનીઓએ કિંમતોમાં ઘટાડો કર્યો હોવા છતાં રીટેલ માર્કેટમાં પ્રતિ લીટર ભાવ રુા. 150 વધુ જ રહ્યા છે.

કેન્દ્ર સરકારે ભાવવધારો, અછત રોકવા માટે મેંદો, સોજી તથા આટાની નિકાસ પર નિયંત્રણો લાગુ કર્યા છે. સરકારનો ઉદ્ેશ ઘરઆંગણે સપ્લાય વધારીને ભાવોને કાબૂમાં રાખવાનો છે. ઘઉંની નિકાસ પર ત્રણ મહિના પૂર્વે જ નિકાસ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા હતા ત્યારબાદ મેંદો, સોજી અને આટાની નિકાસમાં પણ એકાએક વૃધ્ધિ થઇ ગઇ હતી. સરકાર દ્વારા ખાદ્યચીજો સસ્તી કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આમ છતા ગત વર્ષની સરખામણીએ હજુ ભાવો ઉંચા જ છે. જુલાઈ-2021માં રીટેલ ફુગાવો 5.59 ટકા હતો જે જુન-2022માં 7.01 ટકાના સ્તરે પહોંચી ગયો હતો. આગામી મહિનામાં તેમાં સામાન્ય ઘટાડો થવાનો અંદાજ છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ફુગાવાનો દર 6.6 ટકાની આસપાસ રહી શકે છે. જુલાઈના ફુગાવાનો દર 12મી ઓગસ્ટે જાહેર થવાનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular