આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લગતી વિવિધ કામગીરીનું સરળ સંચાલન અને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી જામનગરમાં ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવનાર અધિકારીઓ/ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવાના કાર્યક્રમનું કલેકટરના અધ્યક્ષસ્થાને ધન્વંતરી હૉલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષણીને જામનગર જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે નોડલ ઑફિસરઓ, ઝોનલ ઑફિસરઓ તથા ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ માટે વિધાનસભા મતદાર વિભાગ પ્રમાણે એફ. એસ. ટી., એસ. એસ. ટી., વી. એસ. ટી.,વી. વી. ટી., એકાઉન્ટિંગ ટીમ તથા આસિસ્ટન્ટ ઑબ્ઝર્વર ની ટીમની રચના કરવામાં આવી છે. ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર વિવિધ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓને તેમની કામગીરી લગત ૮૦ જામજોધપુર વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી એન. ડી. ગોવાણી દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. તેમજ કલેકટર ડૉ. સૌરભ પારધી તેમજ જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પનાબેન, પ્રાંત અધિકારીઓ, ચૂંટણીની કામગીરી માટે નિયુક્ત કરાયેલા અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.