કાલાવડ તાલુકાના ગોલાણીયા ગામની સીમમાં આવેલાં ખેતરમાં પાણી ન આવે તે માટે સમજાવા જતાં પ્રૌઢ ઉપર શખ્સે પાવડા વડે હુમલો કર્યો હતો. પ્રૌઢને બચાવવા વચ્ચે પડેલાં તેમના પત્નીને પણ પાવડાનો ઘા મારી લોહી લુહાણ કરી દીધાં હતાં.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના ગોલાણીયા ગામની સીમમાં આવેલાં ઘનશ્યામભાઇ કપુરિયા નામના પટેલ પ્રૌઢના ખેતરના સેઢે આવેલાં ખેતરમાંથી પાણી આવતું હતું. જેથી પાણી ન આવે તે માટે ધનશ્યામભાઇ ખેતરમાલીકને સમજાવવા ગયા હતાં. તે દરમ્યાન ઉશ્કેરાયેલા વિપુલ પ્રેમજી કપુરિયા નામના શખ્સે ધનશ્યામભાઇને અપશબ્દો બોલી લાકડાંના હાથા વાળા પાવડા વડે હુમલો કર્યો હતો. પતિ ધનશ્યામભાઇ ઉપર હુમલો કરતા પત્ની મુકતાબેન પતિને બચાવવા વચ્ચે પડતાં વિપુલ કપુરિયા નામના શખ્સે પ્રૌઢાને માથાના ભાગે પાવડાને ઘા ઝીંકી લોહી લુહાણ કરી દીધાં હતાં અને બંન્નેને મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રૌઢ દંપતિ ઉપર કરાયેલાં હુમલામાં ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જયાં બનાવની જાણ થતાં એએસઆઇ એસ.આર.ચાવડા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને પ્રૌઢાના નિવેદનના આધારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.