દેશમાં કોરોના રોગચાળાના કારણે હાલમાં અસ્તિત્વ ધરાવતાં સ્ટાર્ટઅપ્સ અને MSMEમાંથી 59 ટકા તેમનો બિઝનેસ સમેટી લે તેવી સંભાવના છે તેમ લોકલ સર્કલ સર્વે કહે છે. સર્વેમાં જણાવાયા અનુસાર આ વર્ષે 59 ટકા સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓ તેમનો બિઝનેસ બંધ કરે અથવા તેને વેચી નાખે તેવી શક્યતા છે. સર્વેએ ઉમેર્યું હતું કે ફક્ત 22 ટકા સ્ટાર્ટઅપ્સ અને MSME ત્રણ મહિના કરતાં વધારે ગાળા માટે ભંડોળ ધરાવે છે. તેમાંના 41 ટકા પાસે કોઈ ભંડોળ નથી અથવા તો માંડ એક મહિનો ચાલે તેટલું ભંડોળ છે. આ કંપનીઓમાંથી 49 ટકા કંપનીઓ જુલાઇ સુધીમાં કર્મચારીઓના પગાર અને તેમના લાભોમાં કાપ મૂકવાનું આયોજન કરે છે. સર્વે અનુસાર દેશમાં કોરોનાના બીજા વેવે સ્ટાર્ટઅપ્સ અને MSME સેક્ટરને મોટો ફટકો માર્યો છે. વેચાણમાં તીવ્ર ઘટાડો થયો હોવાના કારણે મોટાભાગની કંપનીઓની કાર્યકારી મૂડી ઝડપથી સાફ થઇ રહી છે. નોંધનીય છે કે આ સર્વેમાં દેશના 171 જિલ્લામાં આવેલા છ હજારથી વધારે સ્ટાર્ટઅપ્સ અને MSME પાસેથી પ્રતિક્રિયા મેળવવામાં આવી હતી.