ગુજરાતમાં કોરોનાકાળ બાદ નાના-વેપારીઓ તથા તે કક્ષામાં આવતા સામાન્ય લોકોને ધંધા રોજગાર સહિતના તંત્રે ઘણું સહન કરવું પડયું હતું અને તે લોંગ કોવિડ ઈકોનોમીક ઈફેકટ તરીકે પણ ગણાવાઈ હતી. સરકારોએ કોર્પોરેટની એમ.એસ.એમ. સી.ને સહાય કરી છે પણ એક વિશાળ વર્ગ એવો હતો જે આ કોઈ વ્યાખ્યામાં આવતો ન હતો તેમાં રાજયભરની સહકારી બેન્કોએ એક ઉમદા અભિગમથી આ પ્રકારની જરૂરિયાતમંદ વર્ગને રૂા.1 લાખથી રૂા.2.50 લાખ સુધીની લોન કોઈ જામીનગીરી લીધા વગર આપી તો તેને ખૈરાત તરીકે કદાચ ગણી લેવાઈ હતી.
જેમાં ગુજરાત સરકાર અને તે સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાએ વ્યાજમાં પણ રાહત આપી હતી તેમાં હવે નાના-લોનધારકોએ તેનામાં સહકારી બેન્કોએ જે ભરોસો મુકયો તે સાર્થક કર્યો છે અને આ પ્રકારની બેન્કીંગ ભાષામાં જેને ‘અનસિકયોર્ડ’ લોન ગણવામાં આવે છે તેમાં 99.8% લોનીએ તે ધિરાણ ભરપાઈ કરી દીધુ છે. એક તરફ કોર્પોરેટ જગતમાં નામી કંપનીઓ પણ મોટી ડિફોલ્ટર બનીને બાદમાં ‘હેર-કટ’ના નામે બેન્કોને તેના બાકી ધિરાણના 5-10% જ પરત મળે તેવી રાહત મેળવી રહ્યા છે તે સામે હાલ કોવિડ પછી પણ નાના ધિરાણ લેનારા વર્ગ તેની પ્રમાણીકતા દર્શાવે છે.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં 2.42 લાખ કુટુંબોને આ પ્રકારનું ધિરાણ અપાયુ હતું. જેમાં અત્યંત ઓછુ 0.20% જ એનપીએ થયુ છે. આમ નાના લોકોએ મોટી પ્રમાણીકતા દર્શાવે છે.
ગુજરાત અર્બન કોપરેટીવ બેન્ક ફેડરેશનના સીઈઓ જે.વી.શાહના જણાવ્યા મુજબ આ પ્રકારની લોનની શહેરી સહકારી બેન્કોને પણ તેનો ધિરાણ લક્ષ્યાંક જાળવવામાં મદદ મળી હતી. કારણ કે તે સમયે અન્ય મોટા ધિરાણની માંગ નહીવત હતી.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમીટી ગુજરાતના રીપોર્ટ મુજબ ગુજરાતમાં શહેરી સહકારી બેન્કોનું કુલ ધિરાણ ડિસેમ્બર 2022 કવાટરમાં રૂા.28788.15 કરોડનું રહ્યું છે. જેમાં એનપીએ રૂા.1220.11 કરોડનું છે. જે એનપીએ રેસમાં 4.3%નો છે. અન્ય બેન્કોને તે 5.14% નો છે તે પણ ઉલ્લેખનીય છે. ગુજરાતમાં તો તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના કુલ એનપીએ રેશિયો 13.15% જેટલો ઉંચો રહ્યો છે અને ખાનગી બેન્કોના તે 1.49% છે. (ડિસેમ્બર 2022 કવાર્ટરના આંકડા છે) કોવિડ પછી ગુજરાત સરકારે કોવિડ બાદ સામાન્ય કુટુંબને મદદ કરવા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સહકારી બેન્કોને વ્યાજ સબસીડી આપવા સાથે શહેરી સહકારી બેન્કોને તે અમલમાં મુકવા જણાવ્યું હતું.