દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના વર્તમાન હોદ્દેદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનું એસોસિએશનના પૂર્વ હોદ્દેદારો દ્વારા આક્ષેપ કરવામાં આવતાં હડકંપ મચી ગયો છે. તેમજ વર્તમાન હોદ્દેદારોએ એજન્સીને લાભ કરાવી ઉદ્યોગકારો ઉપર 1.5 કરોડનું ખોટુ ભારણ ઉભું કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે ચેરીટી કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે અને આઠ દિવસમાં ઉદ્યોગકારોને જનરલ મિટિંગ બોલાવી તમામ મુદ્દાઓની સ્પષ્ટતા કરવા માગણી કરાઇ છે.
દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પૂર્વપ્રમુખ દિનેશભાઇ ચાંગાણી અને પૂર્વમંત્રી દિલીપભાઇ ચંદરીયા સહિતના હોદ્દેદારો દ્વારા ગઇકાલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, એસો.ના વર્તમાન હોદ્દેદારો દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન જીઆઇડીસી ફેસ-3માં ગટરના ગંદા પાણીના નિકાલ માટે એસો.ના નામથી 90,768ની રકમના બે બિલ રજૂ કરવામાં આવ્યા હતાં. આ બિલ એસો.ના પોતાના નામના બિલ મૂકવાની મનાઇ કરતાં તત્કાલિન હોદ્દેદારો દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં સફાઇ કામના પેટા કોન્ટ્રાકટરને વિશ્વાસમાં લઇને તેઓના નામથી બંને બિલ અલગ અલગ ચેક દ્વારા ચૂકવવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત વરસાદી પાણી, સ્ટ્રીટલાઇટ સહિતના કામો માટે પણ ટેન્ડરની શરતો વિરુધ્ધ એજન્સીને લાભ કરાવવામાં આવ્યો છે. તેમજ વર્ષ 2020માં જ્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન હતુ ત્યારે ફેસ-3માં રૂા. 3,58,952નું સફાઇ કામનું બિલ જીઆઇડીસીમાં મૂકી પેમેન્ટ મેળવી લેવામાં આવેલ છે. આ તમામ બાબતે અમદાવાદ ચેરીટી કમિશનરને રજૂઆત કરી ખાસ ઓડિટ કરાવવા માગણી કરવામાં આવી છે.
વધુમાં એસોસિએશનના હોદ્દેદારો દ્વારા અંદાજિત 1.5 કરોડનો લાભ એજન્સીને કરાવી અહીંના ઉદ્યોગકારો પર વધારાનું ભારણ ઉભુ કર્યું હોવાના આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે, જીઆઇડીસી દ્વારા જે કંઇ પેમેન્ટ એસો.ને કરવામાં આવે છે તે પેમેન્ટ ફેસ-2 અને 3ના ઉદ્યોગકારો પાસેથી રૂા. 1ના ખર્ચ સામે 1.40 રૂપિયા લેખે સર્વિસ ચાર્જના ભાગરૂપે વસુલવામાં આવે છે. તેમજ બાકી રહેતા કામોની પૂર્તતા કરવા માટે 1.5 કરોડનો ખર્ચ કરવાની જરુરીયાત જણાતી હતી. તે કામની પૂર્તતા કરવાની કાયદેસરની જવાબદારી એજન્સીની હોવા છતાં એસો.ના તત્કાલિન હોદ્દેદારો દ્વારા આ કામ કરાવી તેનું પ્રથમ બિલ રૂા. 18,10,545ની રકમનું રજૂ કરી આ રકમ સીઆઇપી પ્રોજેકટના સ્ટ્રીટલાઇટના કોન્ટ્રાકટરની ડિપોઝિટમાંથી ચૂકવવા જીઆઇડીસીને એસો. દ્વારા જણાવેલ. કારણ કે, આ કામ એજન્સીએ કરવાનું હતું પરંતુ આ બિલ પરત ખેંચી લીધુ હોવાનું પણ જણાવાયું હતું.
આથી આ તમામ બાબતો અંગે જનરલ મિટિંગ બોલાવી સ્પષ્ટતા કરવા પૂર્વ હોદ્દેદારો દ્વારા માગણી કરાઇ છે.