બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર ઓગસ્ટ મહિનામાં તેની આગામી ફિલ્મ “ રામસેતુ” ના શુટિંગ માટે ગુજરાત આવશે. અક્ષયકુમાર પાસે હાલ ઘણા પ્રોજેક્ટ છે. તે પૈકીની એક ફિલ્મ રામસેતુની રીલીઝ તારીખની તેના ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઓક્ટોબરમાં અક્ષય તેની ફિલ્મનું શુટિંગ શરુ કરશે અને ડીસેમ્બર સુધીમાં શુટિંગ પૂરું થવાની સંભાવનાઓ છે.
પહેલાં એવી ચર્ચા હતી કે રામસેતુ ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં પણ કરવામાં આવશે. જોકે, શ્રીલંકાએ વિદેશથી આવતા પ્રવાસીઓએ ફરજીયાત સાત દિવસ ક્વૉરન્ટિન થવાનો નિયમ બનાવ્યો છે અને તેથી જ હવે ત્યાં શૂટિંગ કરવામાં આવશે નહીં. આ પછી કેરળમાં ફિલ્મ ‘રામ સેતુ’નું શૂટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય કોવિડ માટે હોટસ્પોટ બનવા સાથે, ફિલ્મના નિર્માતાઓએ હવે ફિલ્મનો નોંધપાત્ર હિસ્સો ગુજરાતમાં શૂટ કરવાનો નિર્ણય કર્યો છે.
બે મહિના સુધી અક્ષય ગુજરાતમાં રહીને ફિલ્મનું શુટિંગ કરી શકે છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત નુસરત ભરૂચા અને જેક્લીન ફર્નાન્ડીઝ પણ છે. અક્ષય કુમાર રામસેતુ સિવાય પૃથ્વીરાજ, રક્ષાબંધન અને અતરંગી રે માટે શૂટિંગ કરી ચૂક્યો છે.