જામનગર શહેરના એરફોર્સ વિસ્તારમાં રહેતી મહિલાએ અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોડિયા તાલુકાના પીઠડ ગામમાં સીમ વિસ્તારમાં રહેતી મહિલાના પતિના ઠપકાનું લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર શહેરના એરફોર્સ 1 વિસ્તારમાં રહેતા ટીનાબેન વિરેન્દ્ર રણજીતકુમાર સિંગ (ઉ.વ.28) નામના મહિલાએ તા.14 ના રવિવારે સવારના સમયે કોઇ અગમ્યકારણોસર તેના ઘરે રૂમના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ વિરેન્દ્ર દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.સી.વાઘેલા તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જોડિયા તાલુકાના પીઠડ ગામના સીમ વિસ્તારમાં વાલજીભાઈના ખેતરમાં ખેતમજૂરી કામ કરતી સુમિતા ભુરીયા (ઉ.વ.35) નામની મહિલાને તેણીના પતિ કમલેશ ભુરીયાએ ખેતીકામ બાબતે ઠપકો આપ્યો હતો અને આ ઠપકાનું માઠુ લાગી આવતા સુમિતાબેને શનિવારે સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન શનિવારે રાત્રિના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ કમલેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.આર. વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.