ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર ગતસાંજે પૂર ઝડપે જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા દંપતીને અડફેટે લેતા બાઈક સવાર આહિર વૃદ્ધનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના ધર્મ પત્નીને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રણમલભાઈ ધાનાભાઈ ચાવડા નામના 65 વર્ષના આહિર વૃદ્ધ તેમના ધર્મપત્ની ભીનીબેન ચાવડાને સાથે લઈને ગતમોડી સાંજે તેમના જી.જે. 37 એ. 7589 નંબરના મોટરસાયકલ પર બેસી અને ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર આહિર ક્ધયા છાત્રાલય પાસે પહોંચતા આ માર્ગ પર આવી રહેલી જીજે 03 બી.ટી. 8510 નંબરની પાયલ ટ્રાવેલ્સની બસના ચાલકે રણમલભાઈના મોટરસાયકલ સાથે ધડાકા અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં બાઈક પર જઈ રહેલું આહિર દંપતિ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયું હતું અને રણમલભાઈ ચાવડાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા ભીનીબેન ચાવડાને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ રણમલભાઈ ચાવડા (ઉ.વ. 35, રહે. કુવાડીયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે પાયલ ટ્રાવેલ્સની બસના ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
અકસ્માતના આ બનાવે કુવાડીયા ગામ તેમજ આહીર સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.