ખેડૂતોએ કૃષિ કાયદા વિરૂદ્ધના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ એલાન કર્યું છે કે હવે દિલ્હીમાં અમે દુધ, શાકભાજી જેવી વસ્તુઓ આપવાનું જ બંધ કરી દઇશું. આશરે 93 દિવસથી ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે એવામાં ખેડૂત નેતાઓએ એક વીડિયો જાહેર કરીને ધમકી આપી છે કે જો કૃષિ કાયદા રદ ન કર્યા તો દિલ્હીમાં દુધ, શાકભાજી મોકલવાનું જ બંધ કરી દઇશું. જોકે આ માટે કોઇ ચોક્કસ તારીખ જાહેર કરવામાં નથી આવી.
ખેડૂતોએ સાથે એવી પણ જાહેરાત કરી છે કે ખેડૂતોનો એક મોટો રાજકીય પક્ષ બનાવવામાં આવશે, સાથે ખેડૂતને જ પીએમ અને રાષ્ટ્રપતિ બનાવીશું. રાષ્ટ્રીય માર્ગ એક પર હરિયાણાની સરહદમાં સંયુક્ત કિસાન મોર્ચાના મંચ પરથી ખેડૂત નેતાઓએ જાહેરાત કરી છે કે દિલ્હીના ચારેય રસ્તાઓને બંધ કરી દઇશું અને શાકભાજી, દુધને જતા અટકાવી દઇશું.
જ્યારે આગામી દિવસોમાં બધા જ 90 રસ્તાઓને પણ બ્લોક કરી દઇશું. જોકે આ અંગે સત્તાવાર રીતે કિસાન સંયુક્ત મોર્ચા દ્વારા કોઇ નિવેદન કે તારીખ જાહેર કરવામાં નથી આવી. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાના વખાણ કર્યા હતા, તેમણે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે ખેડૂતો વચેટિયાઓને કારણે મૂંજવણ મહેસુસ કરે.
બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા થોડા દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે અમે 40 લાખ ટ્રેક્ટરો સાથે દેશભરમાં એક મહા રેલી યોજીશું. સાથે તેમણે સંસદ તરફ કુચ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી. જોકે હાલ દિલ્હી સરહદોએ આંદોલન ચલાવી રહેલા કિસાન સંયુક્ત મોર્ચા સંગઠને કહ્યું છે કે અમારી આવી કોઇ યોજના નથી, રાકેશ ટિકૈત દ્વારા જે જાહેરાત કરાઇ છે તે તેમનું વ્યક્તિગત નિવેદન છે.
સંયુક્ત કિસાન મોર્ચાના સભ્ય જગજીતસિંહે કહ્યું હતું કે દિલ્હી તરફ કુચ કરવાનું હાલ અમારૂ કોઇ આયોજન નથી. ન તો તેની કોઇ તૈયારી કરવામાં આવી રહી છે. આગામી 15 દિવસમાં બીજુ શું શું કરવામાં આવશે તેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. હાલ ખુદ ભાજપના ધારાસભ્ય દ્વારા પણ કૃષિ કાયદા પરત લેવાની ચીમકી આપવામાં આવી રહી છે. ઓડિશાના ભાજપના ધારાસભ્ય સુભાષ ચંદ્રએ જાહેરાત કરી હતી કે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળી રહ્યા માટે ખેડૂતોને ટેકાના ભાવની ખાતરી આપવામાં આવે, જો તેમ નહીં થાય તો હું આત્મહત્યા કરી લઇશ. આ જાહેરાત બાદ વિધાનસભાની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી તરફ પંજાબના મોગામાં ઘઉ લઇને જઇ રહેલી ટ્રેનને ખેડૂતોએ રોકી લીધી હતી. આ ટ્રેનને દાગરૂ સ્ટેશન પાસે અટકાવી દેવામાં આવી હતી. ખેડૂતો પાટા પર જ બેસી ગયા હતા અને કહ્યું હતું કે અમે આ ટ્રેનને અન્ય રાજ્યમાં નહીં જવા દઇએ.