સેશન્સ કોર્ટમાં ગંભીર ગુનામાં કોઇ આરોપી નિર્દોષ છૂટી જાય તો રાજ્ય સરકાર જ ખુદ આરોપી સામે હાઇકોર્ટમાં અપીલ કરતી હોય છે. ગુજરાત હાઇકોર્ટે ગુરૂવારે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે નિર્દોષ છૂટનારાં કયા-કયા આરોપીઓ સામે હાઇકોર્ટમાં અપીલ કરવી તે મુદ્દે રાજ્ય સરકારના કોઇ ધારાધોરણ છે ખરા? કોર્ટ સમક્ષ આવેલા એક કેસમાં સેશન્સ કોર્ટે હત્યાના બદલે સદોષ માનવવધ બદલ આરોપીને સાત વર્ષની સજા કરી હતી, તેથી તેને હત્યા ગણી સજા વધારવા રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જ્યારે અન્ય જિલ્લાના એક કેસમાં હત્યાના કેસમાં નિર્દોષ છૂટેલા આરોપીઓ સામે રાજ્ય સરકારે અપીલ કરવાનું પસંદ નહોતું કર્યું. જેથી હાઇકોર્ટે રાજ્ય સરકારને સાવલ કર્યો હતો કે સેશન્સ કોર્ટમાંથી નિર્દોષ છૂટનારાં કયા-કયા આરોપીઓ સામે અપીલ કરવી તે મુદ્દે સરકારના કોઇ ધારાધોરણ છે ખરાં? કોર્ટે વધુ સુનાવણી 15મી સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.
જસ્ટિસ પરેશ ઉપાધ્યાય અને જસ્ટિસ અશોકકુમાર સી. જોશી સામે સાબરકાંઠા જિલ્લામાંથી આવેલા એક કેસમોં એક વ્યક્તિને માર મારી તેને દાટી દેવાના ગુનાની અપીલની સુનાવણી યોજાઇ હતી. સેશન્સ કોર્ટે આરોપીના કૃત્યને સદોષ માનવવધ (આઇ.પી.સી.-304)નું કૃત્ય ગણી સાત વર્ષની સજા ફટકારી હતી. જેથી રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી કે આ આરોપી અને મૃતકને મદદગારી કરનારી વ્યક્તિ બન્નેને 302 એટલે કે હત્યા બદલ દોષિત ઠેરવી તેમની સજા વધારવી જોઇએ. આ ઉપરાંત રાજ્ય સરકારની રજૂઆત હતી કે સેશન્સ કોર્ટે ચુકાદો આપવામાં ક્ષતિ કરી છે અને આરોપીને હત્યાના બદલે સદોષ માનવવધ બદલ સજા થઇ છે.
આ કેસ બાદ પાટણ જિલ્લાના એક કેસમાં હત્યાના કેસમાં સેશન્સ કોર્ટમાંથી નિર્દોષ છૂટેલા આરોપી સામે ફરિયાદીઓએ અપીલ કરી હતી પરંતુ રાજ્ય સરકારે અપીલ કરવાનું પસંદ કર્યુ નહોતું. તેથી કોર્ટની ખંડપીઠે સરકારને માર્મિક ટકોર કરી હતી કે સેશન્સ કોર્ટમાંથી નિર્દોષ છૂટતાં કયા-કયા આરોપીઓ સામે હાઇકોર્ટમાં અપીલ કરવી તેના કોઇ ધારાધોરણ સરકારે નક્કી કર્યા છે ખરા? કોર્ટે કહ્યું હતું કે સરકાર અપીલ કરે ત્યારે ઘણાં સંસાધનો રોકાય છે અને ખર્ચ પણ થાય છે. જેથી આ અંગે જવાબ માગવો જરૃરી છે.
નિર્દોષ છૂટતાં કયા આરોપી સામે અપીલ કરવી ? કોની સામે અપીલ ન કરવી ?
આ મુદ્દે ગુજરાત સરકાર કોઇ ધારાધોરણો ધરાવે છે કે કેમ ?: હાઇકોર્ટે સરકારને પૂછયું