રામનવમીથી જ જમશેદપુર શહેરને બદમાશો અશાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફરી એકવાર લોકોની ધાર્મિક લાગણીઓને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ પોલીસ-વહીવટી તંત્રની સતર્કતાને કારણે પરિસ્થિતિ તાત્કાલિક કાબૂમાં આવી હતી.
ઝારખંડમાં રામનવમીથી જ તોફાનીઓ સતત અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ક્રમમાં રવિવારે પણ જમશેદપુર શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે તંગદિલી સર્જવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસે લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ મોડી સાંજ સુધીમાં બંને પક્ષો વચ્ચેના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
બદમાશોના બદઈરાદાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને પક્ષોને સમજાવ્યા બાદ મામલો શાંત પડ્યો હતો. અહેવાલ છે કે એક બાજુના લોકો મીટિંગ કરી રહ્યા હતા જયારે બીજી બાજુથી પથ્થરમારાને કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. અને જમશેદપુરમાં મોડી સાંજે બંને પક્ષો તરફથી ઉગ્ર પથ્થરમારો થયો હતો.
હિંસા અને આગચંપીમાં અનેક વાહનોને નુકસાન થયું હતું. અનેક દુકાનોને પણ આગ ચાંપવામાં આવી હતી. આ બાબતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ હિંસક અથડામણમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ જિલ્લાના તમામ વરિષ્ઠ પોલીસ-વહીવટી અધિકારીઓએ ઘટનાસ્થળે ધામા નાખ્યા છે. જિલ્લા પ્રશાસને શહેરના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને લોકોને તેમના ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે.