કલ્યાણપુર તાલુકાના માળી ગામે ગઈકાલે ગઢવી પરિવારના એક યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજયા બાદ તેમના પિતાએ પણ આ જ માર્ગે જઈ અને પોતાના હાથે ઝેરી ટીકડા ગળી લેતા તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ બંને પિતા-પુત્રની આજરોજ સવારે નીકળેલી અંતિમયાત્રાથી ભારે કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા દેવાણંદભાઈ ઓઘડભાઈ જામ નામના 26 વર્ષના ગઢવી યુવાને કોઈ કારણોસર ગઈકાલે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેને ગંભીર હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ યુવાનના મૃતદેહને માળી ગામે લઈ જવામાં આવતા તેના 60 વર્ષીય પિતા ઓઘળભાઈ લખમણભાઈ જામને મનમાં લાગી આવતા તેમણે પણ પુત્રનો માર્ગ અપનાવીને અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જેથી તેમને પણ ગંભીર હાલતમાં ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
વયોવૃદ્ધ ઓઘડભાઈ તથા તેમના યુવાન પુત્ર દેવાણંદ જામ દ્વારા આપઘાત કરી લેવામાં આવતા માળી ગામના જામ પરિવાર પર જાણે આભ તુટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. આજે સવારે એક જ પરિવારના પિતા-પુત્રની બે અર્થીઓ એક સાથે નીકળતા માળી ગામ સાથે સમગ્ર ગઢવી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આજે સવારે તેઓની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ ગ્રામજનો જોડાયા હતા. બે સંતાનોના પિતા એવા દેવાણંદભાઈ બે ભાઈઓ હતા. મૃતક દેવાણંદભાઈ તથા તેમના પિતાને મિત્ર જેવો વ્યવહાર હતો. જેથી પુત્રનું મૃત્યુ ના જોઈ શકતા પિતાએ પણ મોતનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.