લદાખ, અરૂણાચલ બાદ ચીની ડ્રેગનનો ડોળો હવે હિમાચલ પ્રદેશ પર મંડરાયો છે. હિમાચલ નજીક ચીને સરહદે સૈન્ય ગતિવિધિ વધાર્યાનો ખુલાસો થયો છે. હિમાચલના કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ જિલ્લા સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ના ર40 કિમી લાંબા વિસ્તારમાં ચીન રસ્તો, પુલ અને હેલિપેડનું ઝડપી નિર્માણ કરવા સાથે સૈનિકોની હાજરી વધારી રહ્યું છે.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે પોતાના રિપોર્ટમાં રાજ્ય પોલીસે સરહદી જિલ્લાઓમાં એલએસી પર 9 તબક્કામાં ચીની સૈન્યનું નિર્માણ કાર્ય અને માળખાગત બાંધકામનું ઝડપી નિર્માણને ટાંકયું છે. હિમાચલ પોલીસના મહાનિર્દેશક સંજેય કુંડૂએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષ દરમિયાન ચીને સૈન્યની ઉપસ્થિતિ વધારી છે. સાથે સરહદ પર પોતાનું પાયાગત માળખુ અને દેખરેખની ક્ષમતામાં સુધારો કર્યો છે. આ સિવાય પણ અનેક સ્થળે ચીનની ભેદી ગતિવિધિઓ સામે આવી છે. અહેવાલ મુજબ ચીન પારેચુ નદીના ઉત્તર કિનારે ચુરૂપ વિસ્તારમાં નવો રસ્તો બનાવી રહ્યું છે. સરહદી વિસ્તારના શાક્કોટ, ચુરૂપ અને ડનમુર ગામોમાં પણ ઝડપી કામ કરી રહ્યું છે. આ ગામોમાં નવી ઈમારતો બાંધવા સાથે હાઈ કવોલિટી સર્વેલન્સ ઈક્વિપમેન્ટ લગાવી રહ્યું છે. માંજા અન શાંગરાંગલા વચ્ચે લપ્ચા નજીક રાન્ડો ગામમાં કાયમી મથક ઉભું કરવા ઝડપી કામગીરી કરાઈ રહી છે. આ ક્ષેત્રમાં ભારે મશીનરી અને વાહનોની અવરજવરની માહિતી મળી છે. લપ્ચા પાસમાં સૈનિકો માટે આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે 196રના યુદ્ધમાં હિમાચલ સરહદ શાંત રહી હતી પરંતુ તાજેતરના દિવસોમાં ચીને અહીં ગતિવિધિ વધારી છે. હિમાચલ સરહદ નજીક ચીની એરફોર્સની સક્રિયતા જોવા મળે છે. સ્પીતિના એક ગામ પાસે પહાડો પર ચીનની ઉપસ્થિતિના ચિહ્નો મળ્યા હતા. અહીં ભારતીય સરહદમાં 1 કિમી અંદર ચાઈનીઝ બીયર અને એનર્જી ડ્રિંકસની ખાલી બોટલો મળી હતી. કિન્નૌર નજીક ગત વર્ષ 8 ચીની સૈનિકોની ઘૂસણખોરી બાદ હિમાચલ પોલીસે સંભવિત ખતરાને પારખી સ્થાનિક બટાલિયન ઉભી કરવા ભલામણ કરી હતી.
લડાખ-ઉતરાખંડ-અરૂણાચલ પછી હવે હિમાચલ પ્રદેશને પણ ઘેરવાનો ચીનનો વ્યૂહ
ભારત-ચીન સરહદે સ્થિતિ વધુને વધુ ચિંતાનજક બની રહી છે ! : ભારતની સરહદમાં ચાઇનીઝ બિયરની બોટલો મળી આવી