જામનગર સહિત ગુજરાતભરમાં મોટાભાગના સ્થળોએ પેટ્રોલ અને ડીઝલના ભાવે સદી વટાવી દીધી છે. જેના કારણે હવે લોકોને વાહન ચલાવવું તો મોંધું પડી રહયું જ છે પરંતુ દરેક ક્ષેત્રને અસર કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ડીઝલમાં વધતા સતત ભાવથી હવે ટકી રહેવું મુશકેલ બન્યું છે. ત્યારે તેની અસરના કારણે દિવાળી ટાણે જ ટ્રાન્સપોર્ટના ભાડામાં મોંધવારીનો બોંબ ફૂટશે. ડીઝલના ભાવ વધારાના કારણે દશેરા બાદ ટ્રાનોસ્પોર્ટ ઉધોગમાં 15 ટકાથી વધુના ભાડાનો વધારો થવા જઇ રહયો છે.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ડીઝલ કરોડરજજુ સમાન છે. તેના ભાવમાં બદલવા સીધી અસર સર્જે છે. રાજયમાં ડીઝલનો ભાવ 100 રૂપિયાને વટાવી ગયો છે. તેવા સમયે ટ્રાન્સ્પોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને આ સ્થિતિમાં ધંધો કેમ કરવો તે વિશે મુંઝવણ વ્યકત કરવા લાગ્યા છે કારણ કે જૂના ભાડામાં હવે ધંધો કરવો પરવડે એમ નથી. કોરોના કાળ પછી માંડ દોઢ વર્ષે ધંધો ખીલ્યો છે. તહેવારોને કારણે ટ્રાન્સપોર્ટ વાહનોની માંગ સારી છે પરંતુ ઉંચા ભાડારૂપી અવરોધ આવ્યો છે.
છેલ્લા થોડાક દિવસમાં ડીઝલમાં ચાર રૂપિયાનો ભાવવધારો થઇ ગયો છે. એકબાજુ ઇંધણના ભાવમાં રોજબરોજનો ભાવ વધે છે. જેના કારણે ભાડા કેવી રીતે વધારવાએ એક સમસ્યા છે. ત્યારે આવા સમયે ટ્રાન્સપોર્ટના વ્યવસ્યામાં સંકળાયેલા નાના માલવાહક સંચાલકોને પણ ખોટ ન જાય તેનું ધ્યાન રાખવું પડે એમ છે. જેના કારણે દશેરા બાદ ટ્રાન્સપોર્ટના ભાડામાં ભાવ વધારો આવી શકે એમ છે. બેંગ્લોર જેવા લાંબા રૂટની ગાડી પાંચ દિવસે પહોંચે જયારે 100 રૂપિયાવાળો ભાવ 102 થઇ ગયો હતો. ટ્રાન્સપોર્ટરને નુકસાનીની સ્થિતિ આવે છે. આ તર્ક સરકારે એક સમયે ભાવવધારો નાખી દેવો જોઇએ. એટલે ટ્રાન્સપોર્ટરો 6-12 મહિનાનું આયોજન કરીને યોગ્ય રીતે ધંધો તો કરી શકે.
પેટ્રોલ-ડિઝલમાં રોજે રોજના ભાવવધારાથી ટ્રાન્સપોર્ટનો ધંધો વેરવિખેર જેવો થઇ ગયો છે.મોટી કંપનીઓ કે પાર્ટીઓ સાથે ટ્રાન્સપોર્ટરે આખા વર્ષના કોન્ટ્રાકટ કરતા અર્થાત આખું વર્ષ સમાન ભાડાથી ટ્રક રાખતા હતા. હવે ડીઝલના ભાવમાં અનિશ્ચિત માહોલથી માત્ર અઠવાડીયાના કોન્ટ્રાકટની નીતિ અપનાવી શરૂ કરી છે. ડીઝલના કમ્મરતોડ ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોમાં સોપો પડી ગયો છે.