Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના કમિશન એજન્ટનું કરોડો રૂપિયાનું બૂચ મારીને ધમકી આપતા સાત શખ્સો સામે...

ખંભાળિયાના કમિશન એજન્ટનું કરોડો રૂપિયાનું બૂચ મારીને ધમકી આપતા સાત શખ્સો સામે ગુનો

આધેડને મરી જવા માટે મજબૂર કરતા સાત શખ્સો સામે કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા તેમજ ખેત વ્યવસાય સાથે સંકળાયેલા એક આહીર આધેડએ તાજેતરમાં ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ આધેડ પાસેથી માંગરોળ, જુનાગઢ વિગેરે ગામે રહેતા શખ્સો દ્વારા ખેત જણશ મેળવીને ખૂબ મોટી રકમ પચાવી પાડતા થઈ ગયેલા દેણાના કારણે તેઓ મરી જવા માટે મજબૂર બન્યા હોવાની ફરિયાદ મૃતકના પુત્રીએ પોલીસમાં નોંધાવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આધેડ છેલ્લા ઘણાં સમયથી ખેડૂતો પાસેથી મગફળી, ચણા વિગેરે જેવી ખેત પેદાશો લઈ અને વેપારીઓને આપી કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા. છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ભાયાભાઈ ચાવડા પાસેથી માંગરોળ તાલુકાના બામણવાડા ગામે રહેતા રમેશભાઈ ભાયાભાઈ પિઠીયાએ તેમની પાસેથી મગફળી, ચણા વિગેરે લીધા હતા. જે ભાયાભાઈએ ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકાના ખેડૂતો પાસેથી પૈસા બાકી રાખીને મેળવ્યા હતા.

આમ, કમિશનનો વ્યવસાય કરતા ભાયાભાઈએ ખેડૂતો પાસેથી મેળવીને રમેશભાઈ પિઠીયાને મોકલેલી 14,642 મણ મગફળી તેમજ 1,995 મણ ચણાની ચૂકવવાની થતી રકમમાં ગોટાળા કરી રૂપિયા 1.91 કરોડની રકમ આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવતું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આટલું જ નહીં, આરોપી રમેશભાઈ પિઠીયાએ તેમની દીકરીના લગ્ન પેટે રૂપિયા 17 લાખ હાથ ઉછીના આપ્યા હોવા ઉપરાંત અન્ય બે આરોપીઓ મુળુભાઈ બાબુભાઈ પિઠીયા અને અજય બાબુભાઈ પિઠીયા દ્વારા માંગરોળની એક્સિસ બેન્કમાંથી ભાયાભાઈ ચાવડાના નામથી આરોપી રમેશભાઈ પિઠીયાને રૂપિયા 15 લાખની લોન અપાવી અને તેમના પર દેવું કરાવી દીધું હતું. આમ, રૂા. 2.49 કરોડની તોતિંગ રકમ આરોપી રમેશ પીઠિયા તથા તેમની સાથે ક્રિષ્ના રમેશ પિઠીયાએ દબાવી રાખી તેમને ચૂકવી ન હતી.

આ પ્રકરણમાં જૂનાગઢના રોહિત અને સંજય બારડ ઉપરાંત મુકેશ નામના અન્ય શખ્સો પણ સંડોવાયા હોવાનું વધુમાં જાહેર થયું છે. આનાથી વ્યથિત ભાયાભાઈને ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકાના ખેડૂતો દ્વારા થતી ઉઘરાણી તેઓ ચૂકવી ન શકતા તેઓને લેવાની થતી રકમ રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા તથા ક્રિષ્ના રમેશભાઈ પીઠીયા પાસે અવારનવાર રૂબરૂ તથા ફોનથી માંગવામાં આવતા આવી હોવા છતાં પણ તેઓ પૈસા આપતા ન હતા. આટલું જ નહીં, જો તેઓ ઉઘરાણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.

- Advertisement -

આ બાબતથી આર્થિક મંદીમાં ઘેરાઈ ગયેલા ભાયાભાઈ જગાભાઈ ચાવડા પાસે તેમને અન્ય કોઈ રસ્તો ન દેખાતા તેઓ મરી જવા માટે મજબૂર બન્યા હોવાથી તેમણે ઝેર ખાઈને આપઘાત કરી લીધા અંગેની ધોરણસર ફરિયાદ મૃતકના પુત્રી નીતુબેન ચાવડા (ઉ.વ. 23) એ પોલીસ મથકમાં નોંધાવી છે. આ તમામ બાબતો અંગે મૃતક ભાયાભાઈએ આપઘાત કરતા પહેલા મોબાઈલમાં વિડીયો બનાવ્યો હોવાનું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા, ક્રિષ્ના રમેશભાઈ પિઠીયા, મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા, રોહિત તથા સંજય બારડ અને મુકેશ નામના તમામ સાત શખ્સો સામે આઈ.પી.સી. કલમ 306, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular