માછીમારી કરવા માટે દરિયામાં જતા માછીમારોએ સક્ષમ અધિકારીને જાણ કરી અને આ માટેનું ટોકન મેળવવું ફરજિયાત છે. આ નિયમનું ઉલ્લંઘન કરતા આસામીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય પછી કોઈ કારણોસર પોલીસે જાગૃત થઈ, કલ્યાણપુર પંથકમાં આ અંગે બે ગુના નોંધ્યા છે.
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદર ખાતે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા નાસીર અયુબભાઈ પટેલીયા નામના 31 વર્ષના યુવાને પોતાની બોટમાં સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પરવાના/કોલ લીધા વગર તેમજ ટોકનની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં પણ દરિયામાં માછીમારી કરવા ટોકન લીધા વગર દરિયામાં ગયા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ જ રીતના નાવદ્રા ગામના માછીમાર આસીફ જાકુબ પટેલીયા (ઉ.વ. 26) પણ દરિયામાં ટોકન વગર જતા ગેરકાયદેસર રીતે માછીમારી કરવા જવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ઉપરોક્ત બન્ને શખ્સો સામે ફિશરીઝ એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.