જામનગર શહેરમાં છેલ્લાં એક માસથી વકરી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા સોમવારે કોવિડ ગાઈડલાઈનના ભંગ સબબ સોશિયલ ડીસ્ટન્સીંગના 12 અને માસ્ક ન પહેરનારા છ લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
કોરોના મહામારીનું ત્રીજી લહેરનું સંક્રમણ જામનગર શહેર અને જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા અને જિલ્લામાં સતત વકરતું જાય છે અને આ સંક્રમણમાં દરરોજ અસંખ્ય લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે પરંતુ, સારી બાબત એ છે કે, ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા નહીવત છે અને પોઝિટિવ દર્દીઓ હોમ-આઈસોલેશનમાં સારવાર લઇ સાજા થઇ જાય છે. કોરોનાની ત્રીજી લહેરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી અંતર્ગત સોમવારે સોશિયલ ડીસ્ટન્સીંગ ભંગના 12 કેસ નોંધી રૂા.4650 નો દંડ અને માસ્ક ન પહેરનારા છ લોકો પાસેથી રૂા.6 હજારના દંડની વસૂલાત મળી કુલ રૂા.10650 નો દંડ વસૂલ કર્યો હતો. તેમજ ગત તા.30 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધીમાં મહાપાલિકાની ટીમ દ્વારા કુલ 195 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં સોશિયલ ડીસ્ટન્સીંગના 122 કેસમાં રૂા.50,250 અને માસ્કના 73 કેસમાં રૂા.73,000 નો દંડ મળી કુલ રૂા.1,23,250 ની રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.