આ બનાવની હકીકત એવી છે કે, જામનગરમાં ધરારનગર-1 કાપડ મીલની ચાલી પાસે રહેતા કારો ઉર્ફે અસગર ઓસમાણ સંસારીના લગ્ન જામનગરમાં રહેતા ઇશાકભાઇ કાસમભાઇ રાવકુડાની પુત્રી મુમતાઝબેન સાથે થયા હતાં.
લગ્નબાદ મુમતાઝબેને તેનાં પતિ વિરૂધ્ધ કારો ઉર્ફે અસગર સામે ભરણપોષણનો કેસ કર્યો અને તે પોતાનાં માતા-પિતા સાથે રહેતા હતાં. જેથી આરોપીએ ભરણ પોષણનો કેસ પાછો ખેંચી લેવા તથા પોતાની પત્નિને પરત મોકલવાનું તેનાં સસરા ઇશાકભાઇને કહી છરી સાથે ઝઘડો કરી પોતાનાં સસરાને મારી નાંખવાના ઇરાદે છરીનાં બે ઉપરા ઉપરી ઘા પેટનાં નાજુક ભાગે મારી ગુન્હો કર્યો હતો. જેથી ઇશાકભાઇએ પોતાનાં જમાઇ વિરૂધ્ધ સીટી બી ડિવીઝનમાં ફરીયાદ કરી હતી. જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં પોલીસે કરેલ તપાસ તથા નિવેદનો મુજબ ફરિયાદી તથા સાહેદોએ કોર્ટમાં પુરાવો આપ્યો હતો. તેમજ સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ તથા દલીલો ધ્યાને રાખી સેશન્સ જજ એમ.આર.ચૌધરી દ્વારા પુરતો પુરાવો હોય, આરોપી કારો ઉર્ફે અસગરને તકસીરવાન ઠરાવી ચાર વષની જેલની સજા તથા રૂપીયા પાંચ હજારના દંડની સજા કરી હતી.
આ કામમાં સરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ પિયુષ જે. પરમાર રોકાયા હતા.