રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વિશ્વાસઘાત કરી દુષ્કર્મ અને એટ્રોસિટીના ગુનામાં આરોપીને તક્સીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદ અને રૂા. 10 હજારનો દંડ ગોંડલ સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો.
આ કેસની વિગત મુજબ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023માં એક શખ્સે પરિણીત હોવા છતાં પોતે અપરિણીત હોવાનું જણાવી યુવતી સાથે પરિચય કેળવી લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી અનેક વખત મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતી સાથે લગ્ન નહીં કરી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ બનાવ અંગેની રાજકોટ (ગ્રામ્ય) પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચનાથી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા તથા રાઇટર એએસઆઇ રાજેન્દ્રસિંહ ગોરી અને ઘનશ્યામસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી શખ્સને ગણતરીના દિવસોમાં જ ઝડપી લઇ જેલહવાલે કરવામાં આવ્યો હતો. તપાસનીસ અધિકારી દ્વારા ટૂંકાગાળામાં આરોપી વિરૂઘ્ધ પુરાવા એકત્ર કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઘનશ્યામભાઇ ડોબરિયાની ધારદાર દલીલો, ફરિયાદી, પંચો, સાહેદો અને ફોરેન્સિક પુરાવાઓના આધારે અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ ફટકાર્યો હતો.


