Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરકલ્યાણપુરના ચંદ્રાવાડા ગામના મહિલા હત્યા પ્રકરણમાં આરોપી સગાભાઈ તથા જેઠની અટકાયત

કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામના મહિલા હત્યા પ્રકરણમાં આરોપી સગાભાઈ તથા જેઠની અટકાયત

ચારિત્ર્યની આશંકાથી નિંદ્રાધીન મહિલાને મોતને ઘાટ ઉતાર્યાની કેફિયત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામના એક મહિલાની હત્યા કરી આ મૃત્યુને કુદરતી મૃત્યુમાં ખપાવી દેવાના બનાવમાં પોલીસે તાકીદની અને ઊંડાણપૂર્વકની કાર્યવાહી કરી, આ પ્રકરણમાં મૃતક મહિલાના સગાભાઈ તથા તેણીના જેઠની અટકાયત કરી લીધી છે. આરોપી શખ્સોને મૃતક મહિલાના ચારિત્ર ઉપર શંકા જતા હત્યા કર્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોરબંદર તાલુકાના ખાપટ ગામે રહેતા અને ચંદ્રવાડા ગામના સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયાના પુત્રી ભૂમિબેન પરબતભાઈ ગોરાણીયા દ્વારા ચોક્કસ પ્રકારની શંકાના આધારે ગત તારીખ 20 જુલાઈના રોજ અવસાન પામેલા તેણીના માતા સુમરીબેન સામતભાઈ મોઢવાડિયાના મૃત્યુ સંદર્ભે તેણીના ચંદ્રવાળા ગામે રહેતા મોટાબાપુ, કાકા વિગેરે ઉપરાંત તેણીના ગોરાણા ગામે રહેતા ત્રણ મામા દ્વારા જણાવાયા મુજબ ભૂમિબેનના માતાનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાથી તેણે ખાપટ ગામેથી ચંદ્રવાડા ગામે બોલાવી અને શંકાસ્પદ હાલતમાં મૃતક સુમરીબેન મોઢવાડિયાની અંતિમ વિધિ ચંદ્રવાડા ગામે કરવાના બદલે પોરબંદર ખાતે કરી દીધાના બનાવે શંકા જન્માવતા મૃતકના પુત્રી ભૂમિબેન દ્વારા તેણીના મોટા બાપુ, કાકા તથા ત્રણ મામા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આના અનુસંધાને કલ્યાણપુર પોલીસે ભૂમિબેનના મોટા બાપુ એવા ચંદ્રવાડા ગામના રહીશ કાનાભાઈ નાગાભાઈ મોઢવાડિયા, કાકા બાલુભાઈ નાગાભાઈ મોઢવાડિયા તથા ગોરાણા ગામે રહેતા તેણીના મામા અરજણભાઈ જીવણભાઈ ગોરાણીયા, અરશીભાઈ જીવણભાઈ ગોરાણીયા તથા રામદેભાઈ જીવણભાઈ ગોરાણીયા નામના કુલ પાંચ પરિવારજનો સામે મનુષ્યવધ કથા પુરાવાના નાશ કરવા અંગેની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

આ સંદર્ભે ડીવાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ કલ્યાણપુરના તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી એફ.એસ.એલ. વિભાગની પણ મદદ લેવામાં આવી હતી. આ પ્રકરણ વિચિત્ર અને ગૂંચવાડાભર્યું બની રહ્યું હોય, એફ.એસ.એલ. ટીમની મદદથી સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કર્યા બાદ પોલીસ દ્વારા મૃતકના ભાઈ એવા ગોરાણા ગામના રામદે જીવણભાઈ ગોરાણીયા તથા મૃતકના જેઠ કાના નાગાભાઈ મોઢવાડિયા નામના બે શખ્સોને બોલાવી અને આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ મૃતક સુમરીબેનના ચારિત્ર્ય ઉપર શંકાના આધારે ગત તારીખ 20 મીના રોજ રાત્રિના સમયે નિંદ્રાવસ્થામાં તેણીના માથામાં લોખંડનો સળીયો ફટકારી દેતા આ ઘા તેણી માટે જીવલેણ બની ગયો હતો અને લોહી-લોહાણા હાલતમાં ઘટના સ્થળે જ તેણીએ દમ તોડી દીધો હતો.

આ હત્યા નિપજાવ્યા બાદ આરોપી શખ્સોએ તેણીએ પહેરેલા કપડા, પથારીના ગોદડા, ગાદલુ, વિગેરે સગે-વગે કરી નાખી અને પુરાવાઓનો નાશ કર્યા બાદ તેણી હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામી હોવાનું જણાવી અને તેણીની અંતિમ વિધિ કરી નાખી હતી.

- Advertisement -

આશરે પોણા બે વર્ષ પૂર્વે મૃતક સુમરીબેનના પતિ સામતભાઈ તથા આશરે દોઢેક માસ પૂર્વે તેણીનો પુત્ર અવસાન પામ્યા બાદ છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાના ઘરે એકલા રહેતા હતા. ઝડપાયેલા ફરિયાદી ભૂમિબેનના મોટા બાપુ કાનાભાઈ તથા ભૂમિબેનના મામા રામદેવભાઈની પોલીસે અટકાયત કરી, આવતીકાલે આ બંનેને રિમાન્ડ અર્થે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યવાહીમાં સ્થાનિક પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા સાથે એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.કે. બારડ, ડી.એસ. નકુમ સાથે એફ.એસ.એલ.ના અધિકારી ડો. એ.જે. આનંદની ટીમ દ્વારા કાર્યવાહી કરી, આ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular