દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં રહેતા એક રીઢા શખ્સ સામે અનેકવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હોય, તે અંગે જિલ્લા એલસીબી પોલીસની કાર્યવાહી બાદ આ શખ્સને પાસા તળે વડોદરા મોકલી દેવાયો છે.
ઓખાના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા મહિપતસિંહ ઉર્ફે કાયડી રણમલભા કેર નામના 28 વર્ષના હિન્દુ વાઘેર શખ્સ સામે સ્થાનિક પોલીસમાં ખંડણી ઉઘરાવવા, એટ્રોસિટી, મારી નાખવાની ધમકી આપવા, મારામારી કરવા સહિતના આશરે અડધો ડઝન જેટલા ગુનાઓ નોંધાયા હતા.
જિલ્લામાં શાંતિપૂર્ણ પરિસ્થિતિ બની રહે અને માથાભારે શખ્સો સામે કડક કામગીરી કરવામાં આવે તે માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંતર્ગત એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ મીઠાપુરના આરોપી મહીપતસિંહ ઉર્ફે કાયડી કેર (ઉ.વ. 28) સામે પોલીસે વિવિધ ગુનાહિત ઇતિહાસ સાથેની માહિતી એકત્ર કરી અને પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને જિલ્લા કલેક્ટર ભૂપેશ જોટાણીયા દ્વારા તાકીદે મંજૂરી આપી અને તેની સામે વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એલસીબીની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, પાસા હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.