જામનગરમાં સિલ્વરપાર્કમાં થયેલ મહિલાની હત્યાના આરોપીને જામનગર સીટી એ ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી
આ ઘટનાની માહિતી અનુસાર જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતાં કરીમાબેન સકીલભાઈ સીપાહી (ઉ.વ.35) નામના મહિલા ગઈકાલે તેના ઘર નજીક કચરો ફેંકવા ગયા હતાં તે દરમિયાન તેમના જ બનેવીએ કોઇ કારણસર મહિલા ઉપર હાથમાં તેમજ શરીરે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મહિલા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતાં. ત્યારબાદ ઘવાયેલા મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મહિલાને સારવાર આપવામાં આવે તે પૂર્વે જ મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને નાશી ગયેલા હત્યારાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયની સુચના તથા પીઆઇ એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી તથા સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મહાવીરસિહ, વનરાજસિહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર તથા વનરાજભાઇ ખવડને મળેલ બાતમી ના આધારે આરોપી ફરીયાદી નો સાઢુભાઇ ફીરોજ ઉર્ફ મુન્નો અબ્બાસભાઇ કાજીને ઠેબા ચોકડી પાસે આવેલ બારાડી પેટ્રોલપંપ પાસેથી ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછ કરતા આરોપીની પત્નિ રીસામણે હોય અને ફરીયાદીની પત્નિની ચડામણીથી રીસામણે હોય તેવુ તેને લાગતા છરીના ધા મારી મૃત્યુ નીપજાવ્યુ હોવાની કેફિયત આપી હતી.
આ કામગીરી પી.આઈ એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ હે.કો. નરેન્દ્રસિહ ઝાલા, સુનિલભાઇ ડેર, પો.કોન્સ મહાવીરસિહ જાડેજા, વનરાજભાઇ ખવડ, પ્રવીણભાઇ પરમાર તથા મેહુલભાઇ વીસાણી દ્રારા કરવામા આવી હતી.