જામનગર શહેરના દિ.પ્લોટમાં પાંચ વર્ષ અગાઉ રીક્ષા ચલાવતા યુવાનની તેની પ્રેમિકાના ભાઈ સહિતના ત્રણ શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાનો બનાવનો કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતાં યુવતીના ભાઈને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ અન્ય બે શખ્સોને શંકાનો લાભ આપ્યો હતો.
પાંચ વર્ષ પૂર્વેના હત્યાના બનાવની વિગત મુજબ જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોનીમાં રહેતા કરશનભાઇ ચનાભાઇ રાઠોડના પુત્ર ભરત રાઠોડ પર તા.26/05/2017 ના મોડીરાત્રે દિ.પ્લોટ 49 વિસ્તારમાં નાગરાજ પાનના ગલ્લા પાસેના રોડ પર શંકરટેકરી વિસ્તારમાં જ રહેતા સન્ની સામજી મેઘજીભાઇ, કરણ સંજયભાઇ મકવાણા અને જયદીપ પઠાણ નામના ત્રણ શખ્સોએ આંતરી લઇ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં સન્નીએ ભરતના ગળાના ભાગે છરીનો એક ઘા મારી અન્ય બંને આરોપીઓએ ઘાયલ યુવાનની પાછળ પકડવા દોડી ગુનો આચર્યો હતો. દરમિયાન છરીના જીવલેણ પ્રહારથી દલિત યુવાન ઘટના સ્થળે પટકાઇ પડયો હતો. દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
મૃતક ભરત રાઠોડને આરોપી સન્નીની બહેન મીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. મીરાને મૃતક ભરતની સાથે લગ્ન કરવા હતાં પરંતુ ભરતની માતાએ ઘરમાં મીરાને ઘરમાં બેસડવાની ના પાડતાં પખવાડીયા પૂર્વે મીરાએ મૃતકના માતા તથા તેના બંને દિકરા વિરુધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ બાબત મીરાના ભાઇ સન્નીને પસંદ ન પડતાં તેના મનદુ:ખને લઇને રીક્ષા ચાલક ભરતની કરપીણ હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મૃતકના માતાની ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા તજવીજ શરૂ કરાઇ છે. આ બનાવનો કેસ અહીંની સેશન્સ અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ જમન ભંડેરની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પૂરાવાઓ અને જુબાનીઓના આધારે આરોપી સન્ની ઉર્ફે સેમ સામજી મેઘજી ઝાલા મકવાણાને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ કરણ મનસુખ ઉર્ફે સંજય દામજી મકવાણા અને જયદીપ ઉર્ફે જયુ બિપીન પુરબીયા પઠાણ નામના નામના બે શખ્સોને શંકાનો લાભ આપ્યો હતો.


