જામનગર તાલુકાની સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં અદાલત દ્વારા આરોપીને દુષ્કર્મ અને પોકસોની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખ્ત કેદની સજા, 10 હજારનો દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો છે તેમજ આ કેસમાં ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.10,50,000 ચૂકવવા સ્પેશિયલ કોર્ટના જજ ભારતી વ્યાસ દ્વારા હુકમ કરાયો છે.
આ અંગેની વિગત મુજબ, ગત તા.11/01/2022 ના રોજ જામનગર તાલુકાના એક ગામની સગીરાને સિધ્ધરાજ ગેનાભાઈ પરમાર નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરાને પ્રથમ જામનગરથી જોધપુર, રાજસ્થાન લઇ જઇ ત્યાં ત્રણ માસના રોકાણ દરમિયાન લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન શરીર સંબંધ બાંધવાથી સગીરા ગર્ભવતી થતા ખાનગી તબીબને દેખાડી પરત ફરતી વખતે ડીશા ગામેથી પોલીસે આરોપીને પકડી લીધો હતો. આરોપી દ્વારા અગાઉ પણ સગીરાને માતાની ગેરહાજરીમાં ઘરે આવી ભોગ બનનાર સાથે તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું અને આ બાબતની કોઇને જાણ કરશે તો સગીરાને અને તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી.
આ અંગેનો કેસ જામનગરની પોકસોની અદાલતમાં ચાલી જતા અદાલત દ્વારા પૂરાવા તેમજ સરકારી વકીલ ભારતીબેન વાદીની રજૂઆતો ધ્યાને લઇ સગીરા ઉપર દુષ્કર્મ ના આરોપી સિધ્ધરાજ ગેનાભાઇ પરમારને 20 વર્ષની જેલ સજા તેમજ 10 હજારનો દંડ ફરમાવતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનારને રૂા.10,50,000 નું વળતર ચૂકવવા પણ સ્પેશિયલ કોર્ટના જજ આરતીબેન વ્યાસ દ્વારા હુકમ કરાયો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.