ગુજરાતમાં રોજે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. જેમાંથી મોટાભાગના અકસ્માતો વાહનચાલકોની બેદરકારીના પરિણામે નીપજતા હોય છે. આજે રાજ્યમાં વિવિધ 6 જગ્યાઓ પર સર્જાયેલા માર્ગ અક્સ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે. જયારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એક જામનગર, બે સુરેન્દ્રનગર, એક રાજકોટ, એક ખેડા અને ભરૂચમાં એક અકસ્માત સર્જાયો હતો.
જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં રહેતાં વસંતભાઈ ભવાનભાઈ પરમાર નામના યુવાન મંગળવારે સવારના સમયે તેના જીજે-10-ડીબી-6962 નંબરના બાઈક પર ઠેબા ચોકડી સામેના રોડ પરથી પસાર થતા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-ટીવી-9979 નંબરના ટ્રકે બાઈકને ઠોકરે ચડાવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બીજો અકસ્માત જેમાં અમદાવાદથી ચોટીલા એક સંઘ પગપાળા જઇ રહ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર નજીકજાખણના પાટીયા પાસે ફોર વ્હીલે જસીબેન ઠાકોર (ઉ.વ.38)ને ઠોકર મારતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ત્રીજો અકસ્માત જેમાં સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ચાલુ છકડો રીક્ષામાંથી મજુર મહિલા લાડુબેન ભીખાભાઈ સલાડ (ઉ.વ.45) નીચે પટકાતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
ચોથો અકસ્માત જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રકની પાછળ આઇસર ઘૂસી જતાં આઈસર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
પાંચમો અકસ્માત જેમાં વહેલી સવારે વાલિયા તાલુકાના ચમરીયા ગામ નજીક પીકઅપ વાન પલટી જતા 15 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
છઠ્ઠો અકસ્માત જેમાં રાજકોટમાં ગોંડલ પોસ્ટ ઓફિસ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. એકટીવા ચાલક મહિલા અને તેમની પુત્રી દૂધ લેવા માટે જતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો વાહનચાલક તેને ઠોકર મારીને નાશી છુટ્યો હતો. જેમાં ધ્યાની પીયુષભાઈ ડોબરીયા ઉ.વ. આશરે 2 વર્ષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.