જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં પ્રૌઢ તેની પત્ની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામ પાસેથી બાઈક પર પસાર થતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા ત્રિપલસવારી બાઈક સવારે પ્રૌઢના બાઈક સાથે અથડાતા અકસ્માતમાં પ્રૌઢના પત્નીનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતા હુશેનભાઇ કાસમભાઈ (ઉ.વ.55) નામના પ્રૌઢ તેના બાઈક પર તેની પત્ની હાજરાબેન (ઉ.વ.50) સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામ પાસેના પુલ પરથી પસાર થતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-ડીકે-7859 નંબરના ત્રિપલસવારી બાઈકસવારે પ્રૌઢના બાઈક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર પ્રૌઢ દંપતી ફંગોળાઈ ગયું હતું. જેમાં પાછળ બેસેલા હાજરાબેન હુશેનભાઈ (ઉ.વ.50) નામના પ્રૌઢાનું શરીરમાં અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ પતિની નજર સમક્ષ પત્નીનું મોત નિપજ્યું હતું.
બનાવ બાદ ત્રિપલસવારી બાઈકચાલક નાશી ગયો હતો. બનાવની જાણ મૃતકના પતિ હુશેનભાઈ દ્વારા કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી પ્રૌઢાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલા બાઈકચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.