જામનગર શહેરની મધ્યનો ઓવરબ્રિજ તૈયાર થઈને લોકાર્પણ થયા બાદ તેના બીજા દિવસે અકસ્માત સર્જાયો છે. પૂલ પરથી નીચે ઉતરી રહેલા એક બોલેરોના ચાલકે બાઈક સવારને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા. સદ્ભાગ્યે મોટી જાનહાની થઈ નથી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં નવા ફ્લાય ઓવરનું નિર્માણ થયું છે અને ગઈકાલે જ મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. દરમિયાન પૂલ ચાલુ થયાના બીજા દિવસે એટલે કે આજે સવારે સાત રસ્તાથી જનતા ફાટકવાળા રોડ તરફના એલિવેટરવાળા માર્ગ પરથી નીચેની તરફ આવી રહેલા જીજે10-ટીવાય-0652 નંબરના બોલેરો પીકપ વેનના ચાલકે નીચે ઉતરીને પીજીવીસીએલની કચેરીના ગેઇટ સમક્ષ સામેથી આવી રહેલા એક બાઈક સવારને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર બંને વાહનો અથડાયા હોવાથી ત્યાંથી પસાર થનારા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જો કે, બાઈક ચાલકને અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ હતી જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.


