પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંદોરણા ગામમાં રહેતો યુવાન જામજોધપુરના સતાપરમાં સંબંધીના ઘરે બેસણામાંથી પરત ફરતો હતો ત્યારે ભૂતપીપળા પાસે પહોંચ્યો ત્યારે અજાણ્યા બાઇકસવારે યુવાનના બાઈક સાથે અથડાવતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા કંદોરણા ગામમાં રહેતો કાંતિલાલ સુરેલા નામનો યુવાન ચાર માસ અગાઉ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા સંબંધીને ત્યાં બેસણામાં જઈને તેની બાઈક પર પરત ફરતો હતો ત્યારે સતાપર-વાંસજાળિયા રોડ પર ભૂતપીપળા નજીક પહોચ્યો ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતા બાઈકસવારે યુવાનના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં કાંતિલાલ રામાલાલ સુરેલા નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ બાઈકસવાર નગા મોઢવાડિયા નામનો શખ્સ બાઈક લઇ નાશી ગયો હતો. ત્યારબાદ અકસ્માતમાં ઘવાયેલા કાંતિલાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઈજાગ્રસ્ત યુવાનના પત્ની હીરીબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.