ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપર ગત મોડી રાત્રિના સમયે મોટરકાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. જેને કારણે સાત જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – જામનગર હાઈવે પર કંચનપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલી એક મોટરકાર તેમજ આ જ માર્ગ પર જઈ રહેલા એક ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. આ અકસ્માતમાં મોટરકારની આગળના ભાગને વ્યાપક નુકસાની થવા પામી હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા તેમજ કારમાં જઈ રહેલા ત્રણ મહિલાઓ સહિત કુલ સાત જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા આ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર અને રિક્ષા વચ્ચેના આ અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. આ સાથે પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક નિયમન સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
View this post on Instagram


