ધ્રોલ તાલુકાના વાંકીયા ગામથી મોટી બાણુંગર આવતા સમયે પાટીયા નજીક પૂરઝડપે બેફીકરાઈથી અજાણ્યા વાહનના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા વૃધ્ધનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે વૃધ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક વાહન લઇ નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી બાણુગર ગામમાં રહેતાં ઘેલાભાઈ તરશીભાઇ ભેંસદડિયા (ઉ.વ.65) અને તેના પત્ની લાભુબેન (ઉ.વ.63) નામના દંપતી ગત તા.24 ના મંગળવારે રાત્રિના સમયે ધ્રોલ તાલુકાના વાંકીયા ગામથી બાણુગર તરફ તેની જીજે-36-કયુ-2137 નંબરની બાઈક પર આવતા હતાં ત્યારે મોટીબાણુંગાર ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી અજાણ્યા વાહનના ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં ઘેલાભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની લાભુબેનને ઈજા પહોંચી હતી. બનાવ બાદ ચાલક વાહન લઇ નાશી ગયો હતો. આ અંગેની જાણ થતા પીએસઆઈ એમ.આર.સવસેટા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પુત્ર સુરેશભાઈના નિવેદનના આધારે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.