દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના નજીકના દ્વારકા માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં આજરોજ શનિવારથી વિવિધ ખેત પેદાશોની આવકની હરાજીનો વિધિવત રીતે પ્રારંભ થયો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની રજાઓ બાદ નવા વર્ષની શુભ શરૂઆત લાભ પાંચમથી કરવામાં આવે છે. ત્યારે આજરોજ શનિવારે લાભ પાંચમના અહીં મગફળી, ચણા, અડદ, ઘઉં, કપાસ, વિગેરે જેવી જણશી લઈને ખેડૂતો દ્વારા આ હરાજીમાં ભાગ લેવામાં આવ્યો હતો. અહીં સૌથી વધુ ઉત્પાદન મગફળીનું થાય છે. ત્યારે આજરોજ આશરે સાડા ચાર હજારથી વધુ ગુણી મગફળીની આવક થવા પામી હતી. જેમાં વધુમાં વધુ ભાવ રૂપિયા 1,351 ખુલવા પામ્યો હતો.
આ ઉપરાંત કપાસના મહત્તમ રૂપિયા 1475, જીરુના મહત્તમ રૂપિયા 8100, ચણાના 1100, તલના 3,169 બોલાયા હતા. આમ, અહીંનું માર્કેટિંગ યાર્ડ આજથી વિપુલ પ્રમાણમાં ખેતપેદાશોથી ધમધમી ઉઠ્યું હતું. આ વર્ષે ખેડૂતોને તેમની ખેત પેદાશોના અગાઉ કરતાં સારા ભાવ ઉપજે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.