2022 વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબકકાની 89 બેઠકોમાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. આ 89 પૈકીની જામનગર દક્ષિણ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીની છેતરપિંડીના ગુનામાં ગુજરાત એટીએસ ટીમે રાજસ્થાનમાં ઝડપી લઇ જામનગર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં 2022 વિધાનસભાની 182 બેઠકો પૈકી 93 બેઠકો માટે આજે બીજા તબકકાનું મતદાન ચાલુ છે અને આ પહેલાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબકકાની 89 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું. પ્રથમ તબકકાની ચૂંટણીમાં 79-જામનગર દક્ષિણ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિશાલ ત્યાગી મેદાનમાં છે. આ બેઠક પર મતદાન શાંતિપૂર્ણ થયું હતું. દરમિયાન વિશાલ રાજબલભાઈ ત્યાગીએ દોઢ વર્ષ અગાઉ જામનગરના સાંઈ ડેકોરેશન ચલાવતા ભાવિનભાઈ નકુમ પાસેથી પટણી જમાતખાનામાં સમૂહસાદીના કાર્યક્રમ માટે ડેકોરેશન કરાવ્યું હતું તેમજ ટાઉનહોલમાં પણ એક પ્રસંગ માટે ડેકોરેશન કરાવી ફુલો લગાડયા હતાં. આ ડેકોરેશન કરાવ્યા બાદ ત્રણ લાખની કિંમતનો માલસામાન વિશાલ ત્યાગીએ તેની પાસે જ રાખી લીધો હતો. ઉ5રાંત જે-તે સમયે રૂા.70 હજારમાં નકકી કરી રૂા.45 હજાર ભાવિનભાઈને આપ્યા હતાં. બાકીના રૂા.25 હજાર માટે અનેકવાર ઉઘરાણી કરી હતી અને ત્રણ લાખના સામાનની માંગણી અવાર-નવાર કરી હોવા છતાં વિશાલ ત્યાગીએ સામાન પણ પરત કર્યો ન હતો અને ત્રણ લાખની રકમ પણ ચૂકવી ન હતી.
દરમિયાન વિશાલ ત્યાગીએ 79 જામનગર દક્ષિણ બેઠકમાં ઉમેદવારી નોંધાવી હતી અને આ ચૂંટણી માટે દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલા કાર્યાલય ખાતે પૈસાની ઉઘરાણી કરવા ભાવિનભાઈ ગયા ત્યારે ચૂંટણી પછી પૈસા આપી દઈશ તેમ જણાવ્યું હતું. દોઢ વર્ષથી ત્રણ લાખની રકમ ચૂકવવા માટે આનાકાની કરતા વિશાલ ત્યાગી સામે સિટી એ ડીવીઝનમાં છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ટીમે રાજસ્થાનમાં માનતા ઉતારવા ગયેલા વિશાલ ત્યાગીને રસ્તામાં જ દબોચી લઇ અમદાવાદ લઇ આવ્યા હતાં ત્યાંથી જામનગર સિટી એ ડીવીઝન પોલીસે વિશાલ ત્યાગીનો કબ્જો સંભાળી જામનગર લઇ આવ્યાં હતાં. પોલીસે ‘આપ‘ના ઉમેદવાર વિશાલ ત્યાગીની ધરપકડ કરી પૂછપછર માટે તજવીજ હાથ ધરી હતી.
વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરી થવાની બાકી છે તે પહેલાં જ દક્ષિણ બેઠકના ‘આપ’ના ઉમેદવારની છેતરપિંડીના ગુના હેઠળ રાજસ્થાનમાંથી કરાયેલી ધરપકડે ભારે ચકચાર જગાવી છે.