પાટનગર દિલ્હીમાં મહાપાલિકાની ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગલમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જબરી ટકકર જેવા પરિણામોના સંકેત છે. ગત તા.4ના રોજ યોજાયેલા મતદાનમાં આજે સવારથી મતગણતરી હાથ ધરાઈ હતી.
જેમાં એકીકરણ બાદની 250 બેઠકોની મહાપાલિકામાં છેલ્લા અહેવાલ મુજબ આમ આદમી પાર્ટી 126 બેઠકો પર આગળ દોડી રહી છે અને ભાજપ 113 બેઠકો પર સરસાઈ ધરાવે છે. જયાં કોંગ્રેસ પક્ષ સતત સિંગલ ડીજીટમાંજ 6 બેઠકો પર આગળ છે.
જયારે 5 બેઠકો પર ‘અન્ય’ને સરસાઈ છે. પરંતુ દર 15 મીનીટે દિલ્હીમાં મહાપાલિકાના પરિણામનું ચિત્ર બદલાઈ રહ્યું છે અને એક તબકકે ભાજપે મહાપાલિકાએ સરસાઈ મેળવી લીધી હતી પણ બાદમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી જતા મહાપાલિકાએ કોઈપણ પક્ષને બહુમતી મળશે કે કેમ તેના પર સૌની નજર છે.
તા.5ના સાંજે જાહેર થયેલા એકઝીટ પોલમાં આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સતા પર આવશે તેવા સંકેત અપાયા હતા પણ પરિણામોના સરસાઈ જોતા ભાજપ જબરી ટકકર આપી રહ્યો છે. 15 વર્ષ બાદ ભાજપ દિલ્હી મહાપાલિકામાં તેની સતા ટકાવી રાખવામાં સફળતા મેળવે છે કે પછી વિધાનસભા બાદ હવે મહાપાલિકામાં પણ ‘આપ’નું ઝાડુ ફરી વળે છે તેના પર સૌની નજર છે.