જામનગર શહેરના રાજપાર્કના ઢાળિયા પાસે ચાર શખ્સો દ્વારા યુવાનને રસ્તામાં આંતરીને તલવાર, ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે. અંધાશ્રમ આવાસ ચોકમાં ત્રણ શખ્સો દ્વારા યુવાનને માર માર્યા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતા મકસુર જુમાભાઈ કુરેશી નામનો યુવાન તા.24ના રોજ પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં રાજપાર્કના ઢાળિયા પાસે આરોપી હસન મુસા કુરેશી એ ફરિયાદીને ઉભો રાખી અપશબ્દો બોલી તલવાર વડે હુમલો કરી હાથમાં ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત મુસા કુરેશી, ઓસમાણ મુસા કુરેશી તથા સબીર મુસા કુરેશી દ્વારા પણ ફરિયાદીને પાઈપ અને ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવા અંગે સીટી બી ડીવીઝનમાં ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. સીટી બી પીએસઆઈ એસ.વી. સામાણી દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
અન્ય બનાવમાં શહેરના અંધાશ્રમ આવાસ બ્લોક નં.72 રૂમ નં.10 માં રહેતાં અંકિત મુકેશભાઈ બારોટ નામનો યુવાનને તા.25 ના રાત્રિના સમયે ત્રણ શખ્સો દ્વારા અપશબ્દો બોલી ધોકા છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જામનગરના અંકિત બારોટ દ્વારા હાર્દિક ધર્મેન્દ્ર કાચા તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સિટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે.આર. સિસોદીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.