જામનગરના નવાગામ ઘેડ પાછળ સ્વામી નારાયણનગરમાં રહેતી યુવતીએ અગમ્ય કારણોસર માંકડ મારવાની ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગરના નવાગામ ઘેડની પાછળ સ્વામી નારાયણનગરની શેરી નંબર ત્રણમાં રહેતા અને મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવના નસીમ ઉર્ફે જિયાબેન હનિફશા રફાઇ નામની રર વર્ષની યુવતી તા. 30ના રોજ પોતાના ઘરે ઉલટી ઉબકા કરતા હોય, જે બાબતે આ વિસ્તારમાં રહેતાં ભાવિન રોહિતભાઇ પટ્ટણીએ પૂછતાં તેમના પત્નીએ જણાવ્યું હતું કે, નસિમબેનએ કોઇપણ કારણોસર પોતાની જાતે ઘરમાં પડેલ માંકડ મારવાની ઝેરી દવા પી લીધી છે. તેથી નસીમબેનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે ભાવિનભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘બી’ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પીએસઆઇ એમ. એચ. સાંકળિયા દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.


